જામનગર શહેર જિલ્લામાં એલઆઇસી કુલ 3 ડિવિઝન ધરાવે છે.એપ્રિલથી જૂન 2020 સુધીમાં આ ત્રણ વિભાગમાં કોરોના મૃત્યું વળતરના કુલ 141 દાવા નોંધાયા હોવાનું જાહેર થયું છે. ત્યાર બાદ 2021ના એપ્રિલથી જૂન દરમ્યાન આ ત્રણ ડિવિઝનમાં કોરોના મૃત્યુ વળતરના 1016 દાવા નોંધાયા છે. આ ઉપરાંત એ પણ ઉલ્લેખનીય છે કે, 2019-20ની સરખામણીએ 2020-21માં તથા 2021-22ના મે સુધીમાં જામનગર મહાનગરપાલિકાની જન્મ મરણ નોંધ શાખામાં કુલ 6000 જેટલાં વધુ મૃત્યુ થયાનું મરણનોંધના આધારે નોંધાયું છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રવિવારે ચાર જુલાઇના રોજ તંત્રએ અત્યાર સુધીના કુલ કોરોના મૃત્યુનો આંકડો 368 જાહેર કર્યો છે.
કોવિડ – 19માં મૃત્યુ દર કેટલો? અન્ય અનેક રાષ્ટ્રો અને રાજ્યોની જેમ ગુજરાત સરકાર પણ ખોટા આંકડા જાહેર કરીને કરોડો પ્રજાજનોને તો જીવતે જીવ મૂર્ખ બનાવી રહી છે પરંતુ સ્મશાનોના ફરતા રહેતા મીટરની જેમ દિવંગતોની લાઇફ પોલિસીના સેટલમેન્ટ થકી પણ (જિંદગી કે બાદ!) સરકારી છળનો ભાંડાફોડ થતો રહે છે. કોરોનાની બન્ને લહેરમાં સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓમાં પાંચે’ક હજાર મૃતકોના પરિવારોએ પોલિસી ક્લેઇમ કરી છે અને, આ આંકડા તો એકમાત્ર લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનના જ છે, અન્ય કંપનીઓનો જીવન વીમો ધરાવતા તથા વીમો નહીં લેનારા મૃતકો તો અલગ જ!
સરકારે જાહેર કરેલા કોરોના ડેથના આંકડા અને એની સામે સરકારનાં જ એલ.આઇ.સી.માં સેટલ થયેલા ક્લેઇમની સરખામણીના કેટલાંક દ્રષ્ટાંત જોઇએ તો રાજકોટ જિલ્લામાં 723 સામે અંદાજે 2000, જામનગર જિલ્લામાં 477 સામે 600, કચ્છમાં 145 સામે 500, જૂનાગઢ જિલ્લામાં 270 સામે 600, પોરબંદર જિલ્લામાં સરકારી માત્ર 19 સામે એલઆઇસીના અંદાજ મુજબ કોરોના મૃતકો લગભગ 195, એવાં તારણ નીકળે!
સામાન્ય સંજોગોમાં દર વર્ષે એલઆઇસીના રાજકોટ ડિવિઝન હેઠળના આઠ જિલ્લામાંથી કુલ મિલા કે 7000 થી 8000 ક્લેઇમ આવતા હોય, જેના બદલે આ નાણાંકીય વર્ષના ફર્સ્ટ ક્વાર્ટર દરમિયાન જ 8360 ક્લેઇમ આવી પડયા. અલબત, તે તમામ કોરોના ડેથ ન ગણાય તો પણ નિગમના અધિકારિક સૂત્રોનાં અનુમાન મુજબ 50 ટકાથી વધુ કિસ્સા તો વ્યક્તિ કોરોના સંક્રમિત બનીને મૃત્યુ પામી હોય એવા જ હતા. આ પૈકી 550 ક્લેઇમમાં ચૂકવણું હજુ બાકી છે. ઓફિસરો એમ પણ ઉમેરે છે કે મૃતકો પૈકી મોટાભાગના યુવા વયના હતા.
સૌરાષ્ટ્રના ચાર મહાનગર પૈકી ભાવનગરને બાદ કરતાં રાજકોટ શહેરમાં 2415, જૂનાગઢ શહેરના 751 અને જામનગર શહેરના 1025 (કુલ 4191) દિવંગતોના પરિવારને લાઇફ ક્લેઇમ ગત ત્રણ માસમાં જ ચૂકતે કરવામાં આવ્યા, જેની સરખામણીમાં ગત વર્ષે આ ગાળામાં ત્રણે’ય શહેરમાં અનુક્રમે 285, 96 અને 141 (કુલ 422) જ ક્લેઇમ હતા. આનો સીધો મતલબ એમ કે મૃત્યુનું પ્રમાણ દસ ગણું થયું!
સત્તાવાર રિપોર્ટસ મુજબ દેશમાં એલઆઇસી સિવાયની 24 કંપનીઓનો લાઇફ ઇન્શ્યોરન્સ સેક્ટરમાં કુલ 21 ટકા હિસ્સો હોય છે, જે જોતાં ઉપલબ્ધ પ્રથમ ત્રિમાસિક આંકડાઓમાં બીજા 20 ટકા કોરોના ડેથ ઉમેરી શકાય, અને સૌથી મહત્વનું તો એ, કે હજારો ગરીબ – નિમ્ન વર્ગીય માણસો તો કોઇ વીમા સુરક્ષા કવચ વિના જ જીવીને કોરોનામાં અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા છે. આ સંજોગોમાં, કોરોના મૃતકોને સહાય ચૂકવવી જ પડશે એવી સુપ્રીમ કોર્ટની ફટકાર સર-આંખો પર લઇને સરકાર સંતોષપ્રદ રકમ જાહેર કરે તો ખાસ કરીને વીમા કવચ વિહોણાં કોરોના મૃતકોના જરૂરતમંદ પરિવારોને મદદ થઇ ગણાશે.
જીવન વીમા ક્ષેત્રે પ્રાયવેટ પ્લેયર્સનું આવી બનશે ! કેટલીક નાની કંપનીઓની હાલત કોરોનાથી ડામાડોળ એક કંપનીને તો રૂા. 220 કરોડનું નુકસાન થતાં પેરન્ટ બેન્કને જાણ કરીને મગાતું માર્ગદર્શન પ્રાઇવેટાઇઝેશનના પ્રારંભિક તબકકે વ્યાપક વિરોધ છતાં ખાનગી કંપનીઓ જીવનવીમા ક્ષેત્રે આવીને પોતાની જગ્યા બનાવતી તો થઇ ગઇ છે પરંતુ કોરોનાએ આમાંની અમુક કંપનીઓની હાલત ડામાડોળ કરવાં માંડી હોવાના નિર્દેશ મળી રહ્યાં છે.
એક પ્રાઇવેટ ઇન્શ્યોરન્સ કંપનીએ કોરોનાકાળમાં રાષ્ટ્ર સ્તરે છેલ્લા ત્રણ મહિનામાં જ જે જંગી રકમ ચૂકવવી પડી તેના લીધે કંપનીને રૂ. 220 કરોડ જેવું નુકશાન આવી પડયું હતું. હજુ થોડા દિવસ પહેલાં જ બોર્ડ મીટિંગ બાદ પેરન્ટ કંપની એવી એક બેન્કને પત્ર લખીને આગળ ઉપર શુું કરવું એનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. વીમા ક્ષેત્રના ધૂરંધરોનું માનવું છે કે કોઇ કોઇ નાની કંપનીએ તો હાલ પૂરતાં આ બિઝનેસને સ્થગિત કરી દેવો પડે અથવા જૂજ કંપનીઓ તો ઊઠી જાય એવું પણ બની શકે !
માત્ર 6 જ મહિનામાં જામનગરમાં કોરોનામૃત્યુ વળતરના 1157 દાવા !
આ કલેઇમ માત્ર LICના છે: બીજી બાજુ તંત્ર અત્યાર સુધી કુલ કોરોના મોત 368 જાહેર કરે છે !: સાચું શું?