એકસાથે અનેક વાહનોની ટકકરના કિસ્સા વિદેશોમાં બનતા હોય છે પરંતુ આવો જ અકસ્માત ભારતના મહારાષ્ટ્રમાં સર્જાયો છે. મુંબઈ-પુના એકસપ્રેસવે પર ભયાનક અકસ્માતમાં 11 વાહનો વચ્ચે ટકકર થઈ હતી તેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. કેટલાકની હાલત નાજુક ગણાવવામાં આવી રહી છે.
મુંબઈ અને પુનાને જોડતા એકસપ્રેસવે પરથી પસાર થતી કારના ચાલકે ઓચિંતી બ્રેક મારી હતી પરિણામે પુરઝડપે પાછળ આવતા વાહનોના ચાલકો પણ નિયંત્રણ રાખી શકયા ન હતા અને એકબીજા સાથે ભટકાઈ ગયા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે ચાર મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માતને પગલે ટ્રાફીક જામ થવા સાથે બન્ને બાજુ વાહનોના થપ્પા લાગ્યા હતા. પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક ડાઈવર્ટ કરાવ્યો હતો.
અકસ્માતમાં અમુક વાહનો તો એકબીજાની ઉપર ચડી ગયા હતા. બચાવ ટુકડીઓએ વાહનોમાં ફસાયેલા લોકોને મહામહેનતે બહાર કાઢયા હતા. ચાર-પાંચ કારનો તો રીતસર બુકડો બોલી ગયો હતો.