કોરોનાની ડરામણી બીજી લહેર વચ્ચે ફરીથી ગુજરાતના મહાનગરોમાં આકરા અંકુશોની અમલવારી શરૂ થઇ છે જેમાં આઠ મહાનગરોમાં તાત્કાલિક અસરથી ટયુશન કલાસીસ પણ 10 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે લેવાયો છે.
બીજો તબક્કો રાજ્યભરમાં શરૂ થતા કેસ દૈનિક 1200નો આંકડો વટાવી ગયા છે. અમદાવાદ અને સુરતમાં સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. વધતા જતા કેસ ફરી મહામારી બનીને સામે ન આવે તે 19 માર્ચથી અમદાવાદ, વડોદરા અને સુરતમાં કરફ્યુનો સમય દસને બદલે નવ વાગ્યાથી છ વાગ્યાનો કરાયો છે. શનિવારે અને રવિવારે અમદાવાદ, વડોદરા અને સુરતમાં મોલ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ શહેરમાં કરફ્યુનો સમય દસથી છ વાગ્યાનો જાળવી રખાયો છે. જોકે ચારેય મહાનગરોમાં બાગ-બગીચા અને ઝૂ બંધ કરી દેવાયા છે.
આ પહેલા ગુરુવારની સવારથી જ અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસ બસો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાનગી અને સરકારી જિમ, ગેમ ઝોન, સ્પોર્ટ્સ કલબ વગેરે પણ ગુરુવારથી બંધ થઇ ગયા છે. અમદાવાદમાં કાંકરિયા લેક, ઝૂ અને કોર્પોરેશનના 273 ગાર્ડન બંધ થઇ ગયા છે.
બાગ બગીચા અને બસો અચોક્કસ મુદત સુધી બંધ કરવામાં આવ્યા છે. સુરતમાં પણ કરફ્યુનો સમય નવ વાગ્યાથી થઇ ગયો છે. બીઆરટીએસની બસો બંધ કરવામાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બસ બંધ થતા લોકો ભારે હાલાકી અનુભવી રહ્યા છે. શનિ અને રવિવારે સુરતમાં મોલ અને મલ્ટીપ્લેક્સ સદંતર બંધ રાખવામાં આવશે. એ કારણે અઠવાડિયે ખરીદીમાં નીકળતા પરિવારોની મુશ્કેલી વધશે.
મ્યુનિસિપલ કમિશ્નરના આદેશથી સુરતમાં રવિ અને સોમવારે હીરાબજાર પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં શનિવારથી બાગ બગીચા અને ઝૂ બંધ થઇ જવાના છે. શાળા અને કોલેજો શુક્રવારથી બંધ થઇ ગયા હતા. બીજી તરફ રાજકોટના સાધુ વાસવાણી રોડ પર એક જ સોસાયટીમાં 10 કરતા વધારે કેસ આવતા ચિંતા વધી ગઇ છે. તંત્રએ ટેસ્ટીંગ બૂથ ફરીથી શરુ કરવા પડ્યા છે.