ખંભાળિયામાં રહેતી એક સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેણીને અપહરણ કરીને લઈ ગયા બાદ દુષ્કર્મ આચરવાના પ્રકરણમાં ખંભાળિયાની સ્પેશિયલ એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા. 10,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં આવેલી કચોરીયા વાડી ખાતે રહેતા જીતુ ઉર્ફે જીતો બલુ જોગાણી નામના શખ્સ દ્વારા એક સગીરાને આજથી આશરે 10 વર્ષ પૂર્વે લગ્ન કરવાની લાલચ આપીને લલચાવી, ફોસલાવી તેણીના પરિવારજનોના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હતો. આરોપી શખ્સ સગીરાને જામનગર, ચોટીલા, અમદાવાદ, સુરત, વલસાડ વિગેરે સ્થળોએ લઈ ગયા બાદ ઉપરોક્ત શખ્સ સામે અપહરણની કલમ મુજબ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
આ પ્રકરણમાં તપાસનીસ પોલીસ અધિકારીએ આરોપીને શોધી કાઢી અને સગીરાની તબીબી ચકાસણી કરાવી હતી. જેમાં એફ.એસ.એલ.ના રિપોર્ટના આધારે સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું હતું. આ સમગ્ર પ્રકરણ અંગે એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ થયા બાદ પોક્સો એક્ટની કલમનો પણ ઉમેરો થયો હતો. આ પ્રકરણમાં જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા અદાલત સમક્ષ વિવિધ આધાર, પુરાવાઓ તેમજ ભોગ બનનાર અને મેડિકલ ઓફિસરની જુબાની વિગેરે રજુ કરવામાં આવતા એડિશનલ સેશન્સ જજ વી.પી. અગ્રવાલ દ્વારા આરોપી જીતુ ઉર્ફે જીતો જોગાણીને તકસીરવાન ઠેરવી, આ સમગ્ર કેસમાં તેને 10 વર્ષની સખ્ત તથા રૂા.10,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આટલું જ નહીં, ભોગ બનનારને તેમના સામાજિક, માનસિક અને આર્થિક પુનર્વસન માટે વીટનેસ કોમ્પનસેશન સ્કીમ હેઠળ રૂપિયા બે લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો છે.