જામનગરની તરૂણીને બાઇક પર બેસાડી લઇ જઇ તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યાના બનાવનો કેસ સ્પે. કોર્ટમાં ચાલી જતાં દુષ્કર્મના આરોપીને સરકારી વકીલની ધારદાર દલીલોના આધારે તકસીરવાન ઠેરવી 10 વર્ષની કેદની સજા ફટકારી હતી.
આ બનાવની વિગત મુજબ, વર્ષ 2018 માં જામનગરમાં રહેતી 13 વર્ષની તરૂણીને રવિ વિનોદ કોળી નામનો શખ્સ તેની બાઈક પર બેસાડીને જામનગરથી રાજકોટ લઇ ગયો હતો તથા ચોટીલા લઇ જઈ તરૂણીના બુટીયા વેંચી નાખ્યા હતાં અને ત્યારબાદ ત્યાં સાત દિવસ સુધી રોકાઇને તરૂણી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ બસ દ્વારા લુણાવાડી લઇ ગયો હતો અને ત્યાં પણ દુષ્કર્મ આચર્યા બાદ તરૂણીને રાજકોટ લઇ આવી રેલવે સ્ટેશન પર મૂકીને નાશી ગયો હતો. આ પ્રકરણમાં પોલીસે તરૂણીના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી. આ કેસ જામનગરની સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ભારતીબેન વાદીની ધારદાર દલીલો અને પૂરાવાઓને આધારે અદાલતે આરોપી રવિ વિનોદ કોળીને તકસીરવાન ઠેરવી 10 વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા અને તરૂણીને રૂા.4.50 લાખ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો.