દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલાએ આર્થિક તંગી અને ભયંકર ફુગાવાને નાથવા માટે 10 લાખ બોલિવરની નવી કરન્સી નોટ રજૂ કરી છે. આની પહેલાં દુનિયાના કોઇપણ દેશે આટલી મોટી કરન્સી નોટ છાપી નથી. વેનેઝુએલાના હાલના ફુગાવા પ્રમાણે 10 લાખ બોલિવરની કિંમત અડધા અમેરિકન ડોલર એટલે કે ભારતીય કરન્સી પ્રમાણે લગભગ 36 રૂપિયા હશે. એટલામાં તો ભારતમાં અડધું લીટર પેટ્રોલ પણ આવશે નહીં. એક સમયે અખૂટ તેલ ભંડાર જોનાર વેનેઝુએલામાં લોકો હવે ભૂખે મરી રહ્યા છે. કરન્સીમાં અવમૂલ્યનની સ્થિતિ એ છે કે લોકો બેગ અને કોથળા ભરીને નોટો લઇ જાય છે અને હાથમાં લટકાવેલી પોલીથીનમાં ઘર માટે સામાન ખરીદીને લાવે છે.
વેનેઝુએલાની સેન્ટ્રલ બેન્કે કહ્યું કે દેશના અર્થતંત્રને જોતા આટલી મોટી કરન્સી નોટને રજૂ કરવી પડી છે. આવતા સપ્તાહે બે લાખ બોલિવર અને પાંચ લાખ બોલિવરની નોટ પણ રજૂ કરાશે. હાલમાં વેનેઝુએલામાં 10 હજાર, 20 હજાર, અને 50 હજાર બોલિવરની નોટ ચલણમાં છે. વેનેઝુએલામાં ભારતના 1 રૂપિયાની કિંમત 25584.66 બોલિવર છે.
વેનેઝુએલામાં 10 લાખ બોલિવરની નોટ હવે સૌથી મોટા મૂલ્યવર્ગની નોટ બની ગઇ છે. જો કે તેની કિંમત ત્યારે પણ અડધી યુએસ ડોલર જ છે. આટલા રૂપિયામાં માત્ર બે કિલો બટાકા કે અડધા કિલો ચોખા જ ખરીદાશે. ત્યાંની સરકાર લોકોને સગવડતા આપવા માટે મોટા મૂલ્યવર્ગની નોટોને છાપવાની યોજના બનાવી રહ્યા છે. જેમાંથી સામાન્ય લોકો મોટી સંખ્યામાં રોકડને લઇ જવાથી બચશે.
અત્યારે વેનેઝુએલામાં ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે તમારે પગપાળા ચાલવા માટે પણ લાંચ આપવી પડી શકે છે. આ દેશ છેલ્લાં આઠ વર્ષથી મંદીની ઝપટમાં છે. વેનેઝુએલાના અર્થતંત્રની સ્થતિ હવે એટલી કથળી છે કે સોનું વેચીને સામાન ખરીદવો પડી રહ્યો છે. વેનેઝુએલામાં લાખો લોકો ભૂખ્યા પેટે સૂવે છે. તેમની પાસે ખાવા માટે પૈસા નથી.