Monday, December 23, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાં બે કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો: જનજીવન અસ્તવ્યસ્ત

દ્વારકામાં બે કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો: જનજીવન અસ્તવ્યસ્ત

દ્વારકામાં અનેક સ્થળોએ મેઘરાજાનો પ્રકોપ: કલ્યાણપુરમાં 18 ઈંચ વરસાદથી વ્યાપક હાલાકી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ સટાસટી બોલાવી છે. ત્યારે આજરોજ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં મુશળધાર વરસાદના કારણે ભારે હાલાકીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ સાથે કલ્યાણપુર તાલુકો કફોડી હાલતમાં મુકાઈ ગયો છે. આ ઉપરાંત દ્વારકામાં આજે સાંજે બે કલાકમાં સાંબેલાધારે 10 ઈંચ જેટલો વરસાદ વરસી જતા ભારે હાલાકીભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા.
કલ્યાણપુર તાલુકામાં ગતરાત્રે 12 વાગ્યાથી આજે સવારે 4 વાગ્યા સુધીમાં ધોધમાર 7 ઈંચ વરસાદ પછી પણ આજે દિવસ દરમિયાન 6 ઈંચ સહિત કુલ 18 ઈંચ જેટલો (435 મી.મી.) વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગો બંધ થઈ ગયા હતા.

- Advertisement -

કલ્યાણપુરમાં સાંબેલાધારે 18 ઈંચ વરસાદ: એનડીઆરએફની ટીમનું આગમન –

કલ્યાણપુરના ભારે વરસાદના કારણે બતડીયા, ભાટિયા, રાવલ, ધતુરીયા, ટંકારીયા, રાજપરા, વીગેરે ગામોમાં પણ આઠથી દસ ઈંચ વરસાદ હોવાનું જાણવા મળેલ છે. કલ્યાણપુર તાલુકાના અનેક ગામોના ભારે વરસાદના પગલે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તાલુકાના લીંબડીથી દ્વારકા વાયા ચરકલા જતે રસ્તે રેણુકા નદીમાં પુર આવતા આ રસ્તો કલાકો સુધી બંધ થઈ ગયો હતો. ભાટિયાના કાલેશ્વર મહાદેવ પાસેના વિસ્તારોના અનેક મકાનમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તાલુકાના હરીપર ગામ પાસે આવેલું એક તળાવ તૂટતા આ ધોધમાર વરસાદના પગલે હરીપર ગામથી પાનેલી તરફ જતા માર્ગે ઊર્જા વિભાગની એક બોલેરો પાણીના કાઢીયામાંથી પસાર થતી વખતે ધોધમાર વહેણના કારણે તણાવવા લાગી હતી. જો કે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી.
ભારે વરસાદના પગલે લીંબડી – ચરકલા – દ્વારકા રોડ પર પાણી ફરી વળતા રસ્તો લાંબો સમય આ રસ્તો બંધ રહ્યો હતો. કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે આજરોજ ભારે વરસાદના કારણે સાવચેતીના પગલાં રૂપે એન.ડી.આર.એફ.ની ટીમનું આગમન થયું હતું અને તેમણે જરૂરી મોરચો સંભાળ્યો હતો.

- Advertisement -

દ્વારકામાં આજે સાંજે આભ ફાટ્યું હોવાની સ્થિતિ સર્જાઈ હતી. આજે સાંજે ચાર થી છ વાગ્યે દરમિયાન ધોધમાર 10 ઈંચ સાથે છેલ્લા પાંચેક કલાકમાં આશરે 12 ઈંચથી વધારે વરસાદ પડતા દ્વારકા શહેર વરસાદી પાણીમાં ડૂબ્યું હોય તેવું ચિત્ર ખડું થયું હતું.
દ્વારકાના મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અનેક સ્થળે નીચાણવાળા ભાગોમાંથી તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ઇસ્કોન ગેઇટ, ગુરુદ્વારા, તોતાદ્રી મઠ જેવા અનેક નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. જેથી તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દ્વારકામાં આજે સાંજે 24 કલાક દરમિયાન 13 ઈંચ જેટલો (318 મી.મી.) વરસાદ નોંધાયો છે.

ખંભાળિયામાં સાત ઈંચ વરસાદથી નદીનાળા તરબતર –

- Advertisement -

ખંભાળિયા પંથકમાં મેઘરાજાએ જારી રાખેલા મુકામમાં ગતરાત્રિના બે ઈંચ બાદ આજે દિવસ દરમિયાન ધોધમાર પાંચ ઈંચ જેટલું પાણી વરસાવી દીધું હતું. આમ, ખંભાળિયા તાલુકામાં સાત ઈંચ (165 મી.મી.) વરસાદ નોંધાયો છે. ખંભાળિયા તાલુકાના જામનગર પટ્ટીના વાડીનાર, ભરાણા વિગેરે ગામમાં 8 થી 10 ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ભાણવડ પટ્ટીના ગામોમાં ચારથી પાંચ ઈંચ વરસાદ વરસ્યાના વાવડ છે.
ખંભાળિયા નજીકના ગોઇંજ પાસે પાંચ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. જેથી ગ્રામ્ય લોકોને હાલકીનો સામનો કરવો પડ્યો હતો. તાલુકામાં સસરાચાર વરસાદના કારણે નાના-મોટા જળ સ્ત્રોતો મહદ અંશે ભરાઈ ગયા હતા.

ભાણવડ તાલુકામાં ધીમીધારે 4 ઈંચ વરસાદ –

ભાણવડ પંથકના ગતરાત્રિના એક ઈંચ વરસાદ બાદ આજે દિવસ દરમિયાન 60 મી.મી. પાણી પડી ગયું હતું. આમ, ભાણવડ તાલુકામાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં કુલ વરસાદના આંકડા –

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 38 ઈંચ (944 મી.મી.), કલ્યાણપુર તાલુકામાં 33 ઈંચ (854 મી.મી.), દ્વારકા તાલુકામાં 30 ઈંચ (746 મી.મી.) અને ભાણવડ તાલુકામાં 20 ઈંચ (481 મી.મી.) વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 30 ઈંચ સુધી પહોંચ્યો છે.
જિલ્લાના અનેક ગામોમાં ગઈકાલે રાત્રે ભારે વીજળીના ગગડાટ અવિરત રીતે રહ્યા હતા. પરંતુ ભગવાન દ્વારકાધીશે જાણે જિલ્લાની રક્ષા કરી હોય તેમ કેટલાક મકાન કે વીજ ઉપકરણોને નુકસાની બાદ કરતા કોઈ મોટી જાનહાની કે નુકસાની થઈ ન હતી. આ સાથે જિલ્લા પ્રશાસન પણ તમામ વ્યવસ્થા માટે અવિરત રીતે સક્રિય રહ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular