રાજકોટના કુવાડવા રોડ પર એક ઝુંપડામાં વિકરાળ આગ ફાટી નીકળતા 7 લોકો દાઝ્યા હતા. જે તમામને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન 1 વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
રાજકોટના કુવાડવા રોડ પાસે ઝૂંપડાઓમાં લાઈટ ન હોવાથી એક વ્યક્તિ જ્યારે પેટ્રોલની બોટલ શોધવા માટે દીવાસળી સળગાવતી ત્યારે અચાનક આગ પ્રસરી ઉઠી હતી. આગના કારણે આસપાસના લોકોનાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો પરંતુ ફોરેન્સિક રીપોર્ટ બાદ જ સાચી હકીકત સ્પષ્ટ થશે. આ ઘટનામાં 3 બાળકીઓ સહીત દાઝેલા 7 લોકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જે પૈકી એક વર્ષની બાળકી પૂરી ચંગાભાઈ સોલંકીનું કરુણ મૃત્યુ નીપજતા પરિવારમાં અરેરાટી છવાઈ છે. જયારે 10 વર્ષની બાળકી અને ભાવુબેન નામની યુવતીની હાલત અતિ ગંભીર છે.
આ ઘટનાની ફાયરવિભાગને જાણ થતા જ ઘટના સ્થળે પહોચી આગને કાબુમાં લીધી હતી. અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોચ્યો હતો. અને વધુ વિગતો મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.