જામનગર શહેરમાં વિશાલ હોટલ પાસેના વિસ્તારમાં રહેતાં સસરાના ઘરે જઈ યુવાન જમાઈએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના સતીયા ગામમાં રહેતાં યુવકે અગમ્યકારણોસર તેના ઘરે ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરમાં અંધાશ્રમ ફાટક પાસે રહેતાં વાળંદ કામ કરતા કમલેશ ગોકળભાઈ જગતીયા (ઉ.વ.32) નામના યુવાને વિશાલ હોટલ પાસે ઓવરબ્રીજ નીચેના વિસ્તારમાં રહેતાં તેના સસરા નાથાભાઈના ઘરે જઇ મધ્યરાત્રિના સમયે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું બુધવારે મધ્યરાત્રિના સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના સસરા નાથાભાઈ મનજીભાઈ રાઠોડ દ્વારા જાણ કરાતા હેકો કે.પી.ઠાકરીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના સતીયા ગામમાં રહેતો પરેશ ઉર્ફે ઘોલુ મનજીભાઈ ચૌહાણ (ઉ.વ.22) નામના યુવકે બુધવારે સવારના સમયે તેના ઘરે નળિયાની આડીમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની કમાભાઈ ચૌહાણ દ્વારા જાણ કરાતા હેકો એન.કે. છૈયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.