લાલપુર તાલુકાના મોટા પાંચસરાથી ખટીયા જવાના માર્ગ પર સામેથી આવતી બાઈકસવારને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના બનાવમાં પોલીસે બાઈકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મોટા પાંચસરા ગામમાં રહેતાં ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા અને ઋષિરાજસિંહ જાડેજા નામના બન્ને યુવાનો સોમવારે રાત્રિના સમયે જીજે-10-એએચ-0575 નંબરના બાઈક પર મોટા પાંચસરાથી સમાણા ગામ નાસ્તો કરવા જતા હતાં ત્યારે ખટીયા તરફના માર્ગ પર પહોંચ્યા ત્યારે સામેથી પૂરઝડપે બેફીકરાઈથી આવી રહેલા જીજે-10-ડીપી-6093 નંબરના બાઈકસવારે યુવાનની બાઈક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ.29) નામના યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ ઋષિરાજસિંહ ગુણવંતસિંહ જાડેજા (ઉ.વ.20) નામના યુવકને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ધર્મેન્દ્રસિંહ જાડેજાનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ બનાવ અંગેની જાણ ગુણવંતસિંહ જાડેજા દ્વારા કરવામાં આવતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી જીજે-10-ડીપી-6093 નંબરના બાઈકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.