Friday, March 20, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાં બૂલેટ અને બાઇકના અકસ્માતમાં યુવાનનું મોત

ખંભાળિયામાં બૂલેટ અને બાઇકના અકસ્માતમાં યુવાનનું મોત

સોડસલા ગામ નજીક ગમખ્વાર અકસ્માત : ઇદ પૂર્વે મિત્ર સાથે કપડાં ખરીદવા જતી વેળાએ યુવાનને થયો કાળનો ભેટો : પોલીસ દ્વારા કાર્યવાહી

ખંભાળિયા નજીકના સલાયા માર્ગે એક મોટરસાયકલ પર બેસીને કપડાની ખરીદી કરવા જઈ રહેલા એક બે મિત્રોના મોટરસાયકલ સાથે એક બુલેટના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતા સલાયાના યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેના મિત્રને ઈજાઓ થવા પામી હતી.

- Advertisement -

આ કરુણ બનાવની વિગત એવી છે કે, ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા ગુલામ મહમદહુશેન સંઘાર નામના યુવાન બુધવારે રાત્રિના સમયે તેમના એક મિત્રના યામાહા મોટરસાયકલ નંબર જી.જે. 37 કે. 8451 :પર બેસીને તેમના મિત્ર અયાન અબ્દુલભાઈ બેલાઈ (ઉ.વ. 19, રહે. સલાયા) સાથે ખંભાળિયા કપડાં લેવા માટે નીકળ્યા હતા. ત્યારે સલાયાથી આશરે ત્રણ કિલોમીટર દૂર સોડસલા ગામ નજીક પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ડબલ સવારી આવી રહેલા એક જી.જે. 37 ક્યુ 8466 નંબરના એક બુલેટ મોટરસાયકલના ચાલકે ગુલામ સંઘારના બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં બંને મિત્રો બાઇક સાથે રોડની એક તરફ ફંગોળાઈ ગયા હતા. આ જીવલેણ ટક્કરમાં ગુલામ
મામદહુશેન સંઘારનું ઈજાગ્રસ્ત હાલતમાં કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેના મિત્ર અયાન બેલાઈને ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગે સલાયા મરીન પોલીસે ઈજાગ્રસ્ત અયાન અબ્દુલભાઈ બેલાઈએ જાણ કરતાં એએસઆઇ બોઘાભાઇ કેસરિયા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલવા તજવીજ હાથ ધરી હતી. તેમજ બૂલેટના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આશાસ્પદ યુવાનના અપમૃત્યુના આ બનાવથી મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular