લાલપુર તાલુકાના સેતાલુસ ગામના નદીકાંઠે આદિવાસી શ્રમિકે કોઇ કારણસર નશીલો પદાર્થ પી જતાં અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, છત્તીસગઢના બલરામપુર જિલ્લાના સુરગુણપન ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં રહેતાં સુખપાલ શ્રીરામ પાન્ડો (ઉ.વ.30) નામના આદિવાસી શ્રમિક યુવાને ગત તા.25 ના બપોરના 2 વાગ્યાથી તા.26 ના રાત્રિના બે વાગ્યા દરમિયાન કોઇ નશીલો પદાર્થ પી જતા તબિયત લથડી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે રાજેન્દ્ર જેઠુભાઇ કોરવા દ્વારા જાણ કરાતા હેકો આઈડી જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.