જામનગરના ગુલાબનગરના વાંજાવાસમાં રહેતો યુવાન અન્ય યુવાનના બાઈક પાછળ બેસીને મહાપ્રભુજીની બેઠક નજીકના રોડ પરથી પસાર થતા હતાં ત્યારે બાઈકચાલકે કાબુ ગુમાવી ડીવાઈડર સાથે અથડાતા અકસ્માતમાં બાઈકસવાર યુવાનનું મોત નિપજ્યું હતું તેમજ પાછળ બેસેલા યુવાનને ઈજા પહોંચી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર વાંજાવાસમાં રહેતો અને મજૂરીકામ કરતો હિરાભાઈ ભૂપતભાઈ નકુમ નામનો યુવાન શનિવારે સાંજના સમયે મકરસંક્રાંતિના દિવસે રણજીત ઉર્ફે જીતુ મોહન લોહાર (ઉ.વ.30) નામના મજૂરી કામ કરતા યુવાનના બાઇક પાછળ બેસીને મહાપ્રભુજીની બેઠકવાળા રોડ પર જતાં હતાં તે દરમિયાન બાઈકચાલક રણજીતે તેનું બાઈક પૂરઝડપે બેફીકરાઇથી ચલાવતા કાબુ ગુમાવી ડીવાઈડર સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં બાઈકસવાર રણજીતને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું તેમજ પાછળ બેસેલા હિરાભાઈને પગમાં ઈજાઓ પહોંચી હતી. આ અંગેની હિરાભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએેમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.