મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનો વતની અને જામનગર તાલુકાના ફલ્લા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતો યુવાન તેના બાઈક પર ફલ્લા ગામમાંથી રસ્તો ક્રોસ કરતો હતો તે દરમિયાન બેફીકરાઇથી આવી રહેલી એસટી બસના ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનો વતની અને હાલ જામનગર તાલુકાના ફલ્લા ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતો ચેનસીંહ ભંગડાભાઇ તોમર નામનો યુવાન વર્ષ 2022 ના ડિસેમ્બર મહિનામાં રાત્રિના સમયે તેના એમપી-09-ઝેડપી-9751 નંબરના બાઈક પર ફલ્લા ગામમાંથી રોડ ક્રોસ કરતો હતોે તે દરમિયાન જામનગર તરફથી પુરઝડપે આવી રહેલી જીજે-18-ઝેડ-6503 નંબરની એેસટી બસના ચાલકે બાઈકસવારને હડફેટે લઇ રોડ પર પછાડી દેતા શરીરે, માથામાં તથા પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ વેસ્તાભાઈની જાણ દ્વારા પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે એસ.ટી. બસના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.