ખંભાળિયા તાલુકાના ગોલણ શેરડી ગામે રહેતા ગગુભાઈ મેઘાભાઈ સઠીયા નામના 30 વર્ષના ગઢવી યુવાનને તેની પત્ની સાથે અગાઉ ઝઘડો થયો હતો. તેથી તેના પત્ની પોતાના માવતરે જતા રહ્યા હતા. આ પછી તેણીએ પોતાના પતિ વિરુધ્ધ પોલીસમાં અરજી કરતા ગગુભાઈ પોતાના પત્નીને પોતાના ઘરે પરત આવવા માટે સમજાવવા ગયા હતા પરંતુ તેની પરત આવ્યા ન હતા.
આ બાબતે ગગુભાઈ સઠીયાને મનમાં લાગી આવતા તેમણે ભાડથર ગામે આવેલા ખાટલાધાર વાડી વિસ્તારમાં પોતાના હાથે શરીરે કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી લીધી હતી. આનાથી ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં ગગુભાઈ ગઢવીને વધુ સારવારમાં અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના મોટાભાઈ ફોગાભાઈ મેઘાભાઈ ગઢવી (ઉ.વ. 49, રહે. હાલ દાતા) એ પોલીસને કરી છે જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.