દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના નવાગામ ટીંબા વિસ્તારમાં રહેતા ગઢવી યુવાનને 3 શખ્સોએ આ જગ્યા અમારી છે. તેમ કહી અપશબ્દો બોલી લાકડી વડે બેફામ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ ભાણવડ તાબેના નવાગામ ટીંબા વિસ્તારમાં રહેતા કરસનભાઈ નાથાભાઈ ગંઢ નામના 37 વર્ષના ગઢવી યુવાન પોતાના માલઢોર બાંધવાના વાડા પાસે બાવળ કાપી અને વાડાની ફરતી કાંટાની વાડ બનાવી રહ્યા હતા, ત્યારે આ સ્થળે કાંધા ભાલા કોડીયાતર, નિલેશ કાંધાભાઈ અને રાજુ કાંધાભાઈ નામના ત્રણ શખ્સોએ અહીં આવીને કરસનભાઈને કહેલ કે “અહીં કાંટાની વાડ કરતો નહીં. આ જગ્યા અમારી છે.” તેમ કહેતા કરસનભાઈએ કહ્યું હતું કે “હું મારી જગ્યામાં વાડ કરું છું. આ જગ્યા તમારી નથી.” આમ કહેતા આરોપીઓએ ઉશ્કેરાઈને તેમને બિભત્સ ગાળો કાઢી, લાકડી વડે બેફામ માર મારીને ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ ભાણવડ પોલીસ મથકમાં નોંધાયો છે. જે અંગે પોલીસે ત્રણેય આઈપીસી કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.