જામનગર શહેર અને જિલ્લામાં રખડતાં ઢોર દ્વારા કરાતા હુમલાઓ હવે સામાન્ય બની ગયા છે. છાસવારે શહેરના લોકો રખડતાં ઢોરની હડફેટે ચઢે છે. રેઢિયાળ તંત્ર આ બાબતે આંખ આડા કાન કરતાં નિર્દોષ પ્રજાજનોનો ભોગ લેવાય છે. ત્યારે મોટી ખાવડી ગામના મુખ્ય માર્ગમાં રખડતા ઢોરએ વધુ એક વ્યક્તિ ઉપર હુમલો કરતાં ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લામાં શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. જામનગરના મોટી ખાવડી ગામમાં મુખ્ય જાહેર માર્ગ પર એક વિફરેલા પશુએ અચાનક એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જાહેર માર્ગ પરથી પસાર થઈ રહેલા વ્યક્તિને પશુએ હડફેટે લઈ જમીન પર પાડી દીધો અને બેફામ હુમલો કર્યો હતો. આ બનાવ દરમિયાન આસપાસ હાજર લોકોએ દોડી આવી વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પહેલા જ તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
View this post on Instagram
આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા પશુઓના પ્રશ્ર્ને વહીવટી તંત્રની બેદરકારી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે અને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.


