જામનગર શહેરના શંકરટેકરી સિધ્ધાર્થ કોલોની વિસ્તારમાં રહેતો યુવાન તેના ઘરે સિડી પરથી નીચે પટકાતા બેશુધ્ધ થઈ જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. જામનગર શહેરના પટેલનગર વિસ્તારમાં રહેતા યુવાનને છાતીમાં દુ:ખાવો થતા જી.જી.હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જામનગર શહેરના નિલકંઠનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધની તબિયત લથડતા બેશુદ્ધ થઈ જતા મૃત્યુ થયું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના શંકરટેકરી સિધ્ધાર્થ કોલોની શેરી નં.10 મા રહેતા અંકિત મુકેશભાઈ પરમાર (ઉ.વ.27) નામના યુવાન ગત તા.22 ના રોજ વહેલીસવારના સમયે તેના ઘરે સિડી પરથી ઉતરતો હતો તે દરમિયાન પગ લપસી જતા તે દરમિયાન નીચે પટકાતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેની સારગાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મહિપાલ પરમાર દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.જે. જોષી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9 મા રહેતા વિનોદભાઈ લીલાધરભાઈ ચંદારાણા (ઉ.વ.59) નામના પ્રૌઢને રવિવારે મધ્યરાત્રિના સમયે તેના ઘરે છાતીમાં દુ:ખાવો થતા ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પત્ની મીનાબેન દ્વારા જાણ કરાતા હેકો આર.એમ. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી આરંભી હતી.
ત્રીજો બનાવ, જામનગર શહેરના પટેલનગર શેરી નં.2 મા પ્રણામી ટાઉનશિપમાં રહેતા નંદલાલ મનસુખભાઈ દાણીધર (ઉ.વ.40) નામના યુવાનને સોમવારે બપોરના સમયે તેના ઘરે છાતીમાં દુ:ખાવો થતા જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ યુવાનનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની અતુલભાઈ ગંગાજળિયા દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.કે. રાતિયા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો બનાવ, જામનગર શહેરના ગાયત્રીનગર પાસે આવેલા નિલકંઠનગર વિસ્તારમાં રહેતા રામાભાઈ ઘેલાભાઈ વાઘ (ઉ.વ.60) નામના પ્રૌઢની ગત તા.20 ના રોજ તબિયત લથડતા સારવાર માટે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન સોમવારે બપોરના સમયે તેમનું મોત નિપજ્યું હતું. આ અંગેની મૃતકના પુત્ર રમેશ દ્વારા જાણ કરાતા પીએસઆઇ વી.કે. રાતિયા તથા સ્ટાફે વધુ કાર્યવાહી આરંભી હતી.