જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં રમતા રમતા તરૂણનો પગ લપસી જતાં બીજા માળેથી નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જામજોધપુરમાં આવેલા દલિત સમાજના કબ્રસ્તાન નજીક બેકારીથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના માનસિક બીમાર પ્રૌઢે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામજોધપુરના તાલુકાના મોટી ગોપ ગામના વાડી વિસ્તારમાં રહેતાં વૃધ્ધાને ઉલ્ટી થવાથી સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડાતા હતાં ત્યારે રસ્તામાં જ મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર સાધના કોલોનીમાં એલ/82 બ્લોક નં.3606 માં રહેતાં સંજયભાઈ શિશાંગિયા નામના યુવાનનો પુત્ર અંકિત (ઉ.વ.17) નામનો તરૂણ ગત તા.30 મે ના રોજ રાત્રિના સમયે બિલ્ડિંગના બીજા માળે લોબીમાં રમતો હતો તે દરમિયાન અકસ્માતે પગ લપસી જતાં નીચે પટકાતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તરૂણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા હેકો એસ.એસ.દાતણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામજોધપુરમાં ડો. આંબેડકરવાસ ચોકમાં આવેલા વણકરવાસમાં રહેતા જયેશ ઉર્ફે લાલુ ધનજીભાઈ મકવાણા (ઉ.વ.24) નામનો યુવકનો વ્યવસાય છેલ્લાં બે સપ્તાહથી ચાલતો ન હતો અને તેના કારણે ઘરમાંથી ઠપકો આપતા બેરોજગારીનું મનમાં લાગી આવતા સોમવારે બપોરના સમયે તેના ઘર નજીક આવેલા સ્મશાન પાસે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની અશ્ર્વિન મકવાણા દ્વારા જાણ કરાતા હેકો એ બી જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, રાજકોટના જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામમાં રહેતાં મનસુખભાઈ જીણાભાઇ ઘોયેલ (ઉ.વ.55) નામના પ્રૌઢને ઘણાં વર્ષોથી માનસિક બીમારી હોય અને તે દરમિયાન પ્રૌઢ ઘરે કોઇ ને કહ્યા વગર ચાલ્યા ગયા હતાં અને જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ થતા હેકો જી.આઈ. જેઠવા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પુત્ર અનિલભાઇને જાણ કરી હતી. જેથી અનિલભાઈ સહિતના પરિવારજનો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતાં. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
ચોથો બનાવ, જામજોધપુરના તાલુકાના મોટી ગોપ ગામના વાડી વિસ્તારમાં રહેતાં રાણીબેન કરણાભાઈ નંદાણિયા (ઉ.વ.60) નામના વૃધ્ધાને રવિવારે ગેસની તકલીફના કારણે ઉલ્ટી થવાથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલે ખસેડવામાં આવી રહ્યાં હતાં તે દરમિયાન રસ્તામાં જ વૃધ્ધાનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ કરાતા હેકો એ.બી. જાડેજા તથા સ્ટાફે હરેશભાઇના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરમાં રમતા-રમતા પડી જતાં તરૂણનું મોત
સાધના કોલોની વિસ્તારમાં બનાવ : બેકારીથી કંટાળી યુવકની ગળેફાંસો ખાઈ આત્મહત્યા : ગીંગણીમાં માનસિક બીમાર પ્રૌઢે જિંદગી ટૂંકાવી : મોટી ગોપમાં ઉલ્ટી થવાથી વૃધ્ધાનું મૃત્યુ