દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં શુક્રવારે બપોરના સમયે બાઇક પર જતાં યુવાનને એકાએક હૃદયરોગનો હુમલો આવતાં ચાલુ બાઇક પરથી ઢળી પડયો હતો અને ત્યારબાદ આજુબાજુના રહેવાસીઓ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં યુવાનનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં રહેતો સલીમ સંઘાર (ઉ.વ.45) નામનો યુવાન શુક્રવારે બપોરના સમયે બાઇક પર જતો હતો ત્યારે પાછળ બેસેલા વ્યક્તિને રસ્તામાં ઉતારીને જૂના કબ્રસ્તાન પાસે આવેલી સાબિદ મસ્જિદ નજીક પહોંચ્યો ત્યારે સલીમને એકાએક ઘાતક હૃદયરોગનો હુમલો આવતા બાઇક પરથી નીચે પટકાઇને બેશુદ્ધ થઇ ગયો હતો. બાઇક પરથી યુવાન પડી જતાં આજુબાજુના રહેવાસીઓ દોડી આવ્યા હતા અને બેશુદ્ધ થઇ ગયેલા યુવાનને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ સલીમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવની જાણના આધારે પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચી ગયો હતો. જ્યાં મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી. આશાસ્પદ યુવાનના અકાળે અવસાનથી નાના એવા સલાયા ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે.


