જામનગર તાલુકાના ધરારનગર 2 વિસ્તારમાં ક્રિકેટ રમવાની બાબતે ચાર શખ્સોએ યુવાન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી બાઈકમાં નુકસાન પહોંચાડી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ધરારનગર 1 માં રહેતો અને મજૂરી કામ કરતો તોસિફ સોતા નામનો યુવાન રમજાન મહિના દરમિયાન તેના મિત્રો સાથે રાત્રીના ધરારનગર 2 વિસ્તારમાં આવેલી હોટલ પાસે ક્રિકેટ રમતા હોય જેનો ખાર રાખી અનવર કકકલ, સાહિલ કકકલ, ભુરો કકકલ અને એઝાજ કકકલ નામના ચાર શખ્સોએ બુધવારે બપોરના સમયે એક સંપ કરી તોસિફ સોતા નામના યુવાનને આંતરીને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. તેમજ અન્ય શખ્સોએ મુંઢ માર મારી યુવાનના બાઈકમાં નુકસાન પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે તોસિફના નિવેદનના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.