અંબાજી ખાતે આગામી સમયમાં વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર સ્થાપિત થવાનું છે. જેનું નિર્માણ કાર્ય ભોલે જય ગૃપ અમદાવાદના દીપેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. આ શ્રીયંત્રની ઊંચાઈ સાડા ચાર ફૂટનું તથા તેનું વજન આશરે 2200 કિલોનું રહેશે. તેનું પચાસ ટકા કામ વટવા જીઆઈડીસી ખાતે થઈ રહયું છે. જે આશરે બેથી ત્રણ મહિનામાં પૂર્ણ થઇ જશે.
શ્રીયંત્ર તૈયાર થયા બાદ લોક કલ્યાણ અર્થે અંબાજી મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. શ્રીયંત્ર નિર્માણકાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય તે હેતુ જય ભોલે ગૃપના છ સભ્યો અંબાજીથી આશરે 1200 કિમીની ચારધામ યાત્રાએ નિકળ્યા હોય, જેની શરૂઆત યાત્રાધામ દ્વારકાથી કરતાં ગઈકાલે શુક્રવારે શ્રીયંત્રની 1x1x1 ફૂટની 32 કિલોની પ્રતિકૃતિ સાથે દ્વારકાધીશ જગતમંદિરે પહોંચ્યા હતા. જયાં દ્વારકાધીશ જગત મંદિરમાં શ્રીયંત્રનું શ્રીજી સન્મુખ વારાદાર પૂજારીએ શાસ્ત્રોકત વિધિથી પૂજન કર્યુ હતું. જયભોલે ગૃપના સદસ્યોએ શ્રીજી સમક્ષ આ શ્રીયંત્ર નિર્માણનું કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થવા અંગે પ્રાર્થના કરી હતી.
ગૃપના સદસ્યોના જણાવ્યાનુસાર આ શ્રીયંત્ર પંચધાતુમાંથી બનાવવામાં આવશે અને તેનું વજન આશરે 2200 કિલોગ્રામ તેમજ સાડા ચાર ફૂટની ઊંચાઈ ધરાવતું પિરામિડ આકારનું બનાવાશે. જેની બજાર કિંમત આશરે એક કરોડ રૂપિયા જેટલી થશે. આ શ્રીયંત્રના નિર્માણ કાર્યમાં હાલ પચ્ચીસ જેટલા કાગીગરો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. આજ સુધી વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર ઉત્તરાખંડના ડોલાશ્રમમાં સ્થાપિત છે જેની ઊંચાઈ સાડા ત્રણ ફૂટની છે.