કાલાવડ તાલુકાના ગોલાણિયા ગામના પુલ પાસેથી પસાર થતાં પ્રૌઢ ઉપર છ શખ્સોએ ગાળો કાઢી લોખંડના પાઇપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના નાગપુર ગામમાં રહેતાં ચનાભાઇ કાનાભાઇ વાઘેલા (ઉ.વ.55) નામના પ્રૌઢ સહિતના શ્રમિકો ખટારામાં કપાસ ભરવાની મજૂરી કરવા માટે ગયા હતા અને જમવા માટે હોટલમાં ઉભા રહેવાનું કહેતાં આણંદ ભીખુ ગોહિલ અને તેના પુત્ર અંકિત આણંદ ગોહિલ નામના બન્ને શખ્સોએ પ્રૌઢને જમવાની ના પાડી હતી. જેથી ચનાભાઇ સહિતના મજૂરોને પિતા-પુત્ર સાથે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ પ્રૌઢ સહિતના મજૂરો કપાસ ભર્યા બાદ રિક્ષામાં તેમના ઘરે જતા હતા ત્યારે કાલાવડ તાલુકાના ગોલાણિયા ગામના પુલ પાસે આણંદ ભીખુ ગોહિલ, અંકિત આણંદ ગોહિલ, સવજી ભીખુ ગોહિલ, કાના ભરત ગોહિલ, વિરાટ ખોળુ ગોહિલ અને કિશન સહિતના 6 શખ્સોએ પ્રૌઢની રિક્ષાને આંતરીને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. તેમજ કારમાં આવેલા 6 શખ્સોએ ચનાભાઇ સાથે બોલાચાલી કરી લોખંડના પાઇપ વડે અને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત ગોવિંદભાઇને ઢીકાપાટુનો માર મારી, ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી.
જમવાની બાબતે થયેલી બોલાચાલીમાં 6 શખ્સોએ હુમલો કરી શ્રમિકોને ધમકી આપ્યાના બનાવ અંગે ચનાભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ આર. બી. ઠાકોર તથા સ્ટાફે છ શખ્સો વિરૂઘ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


