ખંભાળિયામાં આવેલા હિન્દુ સ્મશાનમાં ધાર્મિક વિધિથી અગ્નિસંસ્કાર ઉપરાંત ઈલેક્ટ્રીક ભઠ્ઠીથી મૃતદેહની અંતિમક્રિયા કરવામાં આવે છે. અહીંના સ્વર્ગપુરી સ્મશાનમાં ઈલેક્ટ્રીક ભઠ્ઠી સાથે અંતિમ સંસ્કાર માટે પાંચ ખાટલાઓ પણ પ્રાપ્ય છે. જેમાં અગ્નિદાહ આપી અને મૃતદેહના અંતિમ સંસ્કાર કરી શકાય છે.
ખંભાળિયા સહિત આસપાસના વિસ્તારોમાંથી લોકો અહીંના સ્વર્ગપુરી સ્મશાનમાં તેમના સ્વજનોના મૃત્યુ બાદ અંતિમવિધિ માટે આવે છે. હાલની પરિસ્થિતિમાં કોવિડ પ્રોટોકોલ મુજબ કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓની અંતિમવિધિ ઈલેક્ટ્રીક સ્મશાનમાં કરવામાં આવે છે.
હાલ છેલ્લા દિવસોમાં ખંભાળિયા પંથકમાં મૃત્યુનું પ્રમાણ વધતા અહીં ઈલેક્ટ્રીક ભઠ્ઠી ઉપરાંત અંતિમવિધિ માટે ખાટલાઓ પર લાકડા ગોઠવી, અંતિમ સંસ્કારનું પ્રમાણ પણ વધી ગયું છે. આથી સ્મશાનમાં લાકડાના સ્ટોકની તળિયાઝાટક થાય તેવી સર્જાયેલી પરિસ્થિતિમાં ગઈકાલે એક સાથે સાત મૃતદેહના અંતિમ સંસ્કાર વિધિ માટે આવતા લાકડાના ઘટી રહેલા સ્ટોક વચ્ચે આગામી દિવસોમાં મૃતદેહના અંતિમ સંસ્કારની સંખ્યા વધતા સાવચેતી માટે લાકડાનો સ્ટોક રાખવો અનિવાર્ય જણાયો હતો.
આના અનુસંધાને ખંભાળિયા નગરપાલિકાના જાગૃત સદસ્યો, સ્ટાફ, તથા રાજકીય આગેવાનો દ્વારા સહિયારા પ્રયાસો કેળવી, તાકીદે અહીંના આ સ્મશાનમાં લાકડા મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે અંતર્ગત ખંભાળિયાના એક રઘુવંશી ઉદ્યોગપતિ સદગૃહસ્થ દ્વારા બે ટ્રેક્ટર, ભાણવડ લોહાણાના વેપારી દ્વારા બે ટ્રેક્ટર, અન્ય એક સેવાભાવી દ્વારા એક ટ્રક લાકડા તુરત મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આમ, એક જ દિવસમાં બે ટ્રક તથા સાત ટ્રેક્ટર ભરીને લાકડા ખંભાળિયાના સ્મશાન માટે પુરા પાડવામાં આવ્યા હતા. સેવાભાવી લોકોની આ સેવાપ્રવૃતિ આવકારદાયક બની રહી હતી અને ભવિષ્યમાં પણ આ પ્રકારની જરૂરિયાત હોય ત્યારે સ્થાનિકો તથા ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ સહકાર મળી રહેનાર છે. જો કે આથી વિપરીત કેટલાક લોકોએ લાકડાના ભાવમાં વધારો કરી અને ઊંચા ભાવે લાકડા વેચાતા આપવાની નીતિ રીતેએ સેવાભાવીઓમાં કચવાટની લાગણી પ્રસરાવી છે.