જામનગરની કોવિડ હોસ્પિટલમાં એટેન્ડન્ટો સાથે જાતિય સતામણીના ચકચારી પ્રકરણમાં રાજ્ય સરકારના આદેશ થયા બાદ પણ વહીવટીતંત્ર દ્વારા કયા કારણોસર આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં ઢીલી નીતિ દાખવવામાં આવી રહી છે ? આ પ્રકરણમાં ત્રણ સભ્યોની તપાસ સમિતિ બાદ રિપોર્ટ કલેકટરને સોંપવામાં આવ્યો છે ત્યારે હજુ આ પ્રકરણમાં ફરિયાદ નોંધાઇ નથી તેમજ જામનગર મહિલા ન્યાય મંચ દ્વારા ચકચારી પ્રકરણમાં આજે સવારે લાલ બંગલા સર્કલ ખાતે ધરણા યોજી તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવા ઉગ્ર માંગણી કરી હતી.
રાજ્યભરમા ચકચારી બનેલા જામનગરની કોવિડ હોસ્પિટલમાં 60 થી વધુ એટેન્ડન્ટ યુવતીઓ સાથે જાતિય સતામણી કરાયાનું એલ.બી. પ્રજાપતિ સહિતના શખ્સો વિરૂધ્ધ કલેકટરને પાઠવેલા આવેદનમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ પ્રકરણમાં વધુ ગરમાયું હતું. ચકચારી પ્રકરણમાં અનેક મહિલા સંસ્થાઓ અને સંગઠનો પીડિતાઓના સપોર્ટમાં આવ્યા હતાં. આ પ્રકરણમાં રાજ્ય સરકાર દ્વારા તપાસ સમિતિ નિમવાના આદેશ બાદ પ્રાંત અધિકારી, એએસપી અને ડીનની સમિતિએ પીડિતોના નિવેદનો લઈ કલેકટરને રિપોર્ટ સોંપ્યો હતો. દરમિયાન જામનગર મહિલા ન્યાય મંચના પ્રણેતા શેતલબેન શેઠ અને સહપ્રણેતા એડવોકેટ કોમલબેન ભટ્ટ અને નિમિષાબેન ત્રિવેદી, રચનાબેન નંદાણિયા, સોનલબેન નાણાવટી સહિતનાઓએ પીડિતાઓને ન્યાય મળે અને ભવિષ્યમાં પણ આવું હિચકારુ કૃત્ય ન થાય તે માટે પોલીસવડાને શુક્રવારે આવેદનપત્ર પાઠવી આ મામલે તાત્કાલિક ફરિયાદ નોંધવા રજૂઆત કરી હતી.
આ રજૂઆત બપોરે 2 કલાકે મહિલા ન્યાય મંચને લડતમાં સર્પોટ આપતા અઝીમખાન પઠાણને વ્હોટસ એપ પર એલ.બી.પ્રજાપતિએ ફોન કરી અમારા નિવેદનો શેતલબેનને લખાવવા છે તેમ કહી ધમકાવ્યા હતા અને હું જેલમાંથી બહાર નીકળીશ ત્યારે કોઇને નહીં મૂકું અને શાંતિથી રહેવા નહીં દવ તેવી ધમકી આપી હતી. આ મામલે શેતલબેને સીટી બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટરને લેખિત રજૂઆત કરી એલ.બી.પ્રજાપતિ અને દિવ્યા કટારિયા અને ત્રણ અજાણ્યા સહિતના શખ્સો પરેશાન કરી ધમકાવતા હોય તેથી આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી તેમ છતાં આ મામલે આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
દરમિયાન મહિલા મંચના પ્રણેતા શેતલબેન શેઠ દ્વારા આજે સવારે આ ચકચારી પ્રકરણમાં પાવરફુલ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે ધરણાં યોજવામાં આવ્યાં હતાં અને તેમણે જણાવ્યું હતું કે, પાવરફૂલ આરોપીઓ સામે તંત્ર દ્વારા કયાં કારણોસર ફરિયાદ નોંધવામાં આવતી નથી ? હવે અમારી પાસે આ છેલ્લો રસ્તો ધરણાં કરવાનો હતો તે કર્યો છે અને તેમ છતાં પણ જો પોલીસ ફરિયાદ નોંધવામાં નહીં આવે તો અમારે ફરજિયાત અદાલતનો આશરો લેવો પડશે.