દેવભૂમિ દ્વારકા જિલ્લાના સરકારી કર્મચારીઓ, અધિકારીઓમાં ચર્ચાસ્પદ બની ગયેલા લાંચ પ્રકરણમાં ઝડપાયેલા ખીરસરા ગામના મહિલા તલાટી તથા રાવલ ગામના વેપારીને એ.સી.બી. પોલીસે બે દિવસના રિમાન્ડ પર લીધા છે.
સમગ્ર જિલ્લામાં ચર્ચાસ્પદ બની ગયેલા આ પ્રકરણમાં કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા અને તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હર્ષાબેન આલાભાઈ કારેણા દ્વારા એક આસામી પાસેથી ગામ નમુના નંબર 2 નો દાખલો કાઢી આપવા માટે રૂપિયા સવા લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. આ લાંચની રકમ રવિવારે તલાટી વતી જયસુખ ઉર્ફે જલો અરજણ પિપરોતર નામના શખ્સ દ્વારા સ્વીકારવામાં આવી હતી. જે અંગે એસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં બંને શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.
આ કામગીરી બાદ એ.સી.બી. પોલીસે રવિવારે જ મહિલા તલાટીના રહેણાંક મકાનમાં સર્ચ અંગેની કામગીરી પણ કરી હતી. પરંતુ કોઈ રોકડ કે નોંધપાત્ર સાહિત્ય ન મળ્યાનું કહેવાય છે. આ મહિલા તલાટી તથા લાંચ સ્વીકારનાર મૂળ રાવલ ગામના જયસુખ ઉર્ફે જલો અરજણભાઈ પીપરોતર નામના શખ્સને એસીબીના તપાસનીસ પી.આઈ. એવા રાજકોટ ગ્રામ્ય એસીબીના આર.આર. સોલંકી દ્વારા વિવિધ મુદ્દે ગઈકાલે સોમવારે દ્વારકાની એડિશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરી, ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતા નામદાર અદાલતે બંનેના તારીખ 24 મી સુધીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.