ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં રહેતા મહિલા તેના પતિ સાથે બાઇક પર જતા હતા ત્યારે મહિલાને બીક લાગતાં બાઇકમાંથી કુદી ગયા હતા. જેથી મહિલાના પતિએ લાકડી વડે માર મારી પથ્થર વડે માથાના ભાગે ઘા મારી ઇજા પહોંચાડી છરી બતાવ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં રહેતા અને ઘરકામ કરતાં મમતાબા બકુલસિંહ જાડેજા (ઉ.વ.48) નામના મહિલાને તેમના પતિ બકુલસિંહએ બહાર જવાનું કહી બાઇકમાં બેસાડી લઇ જતા હતા. તે દરમ્યાન હાડાટોડાથી માણેકપર જવાના રસ્તા પર પહોંચ્યા ત્યારે મહિલાને બીક લાગતાં બાઇક પરથી કુદી ગયા હતા. ત્યારબાદ આ બાબતે બકુલસિંહએ તેની પત્ની મમતાબા ઉપર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ પથ્થર વડે માથાના ભાગે ઘા ઝિંકી છરી બતાવી હતી. આમ, પતિ દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલી પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણ કરાતા હે.કો. જે. કે. દલસાણિયા તથા સ્ટાફે મમતાબાના નિવેદનના આધારે પોલીસે તેણીના જ પતિ બકુલસિંહ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


