દ્વારકા તાલુકાના સુરજકરાડી વિસ્તારમાં રહેતા રમેશભાઈ રામજીભાઈ મારુ નામના 51 વર્ષના આધેડના પત્ની હંસાબેન તેમની પુત્રી કુંજલને સાથે લઈ અને એક રિક્ષામાં બેસીને વરવાળા ગામે જવા માટે નીકળ્યા હતા. ત્યારે દ્વારકાથી આશરે 9 કિલોમીટર દૂર મકનપુર ગામના પાટીયા નજીક એક મંદિર પાસે પહોંચતા પૂરઝડપે અને ગફલતભરી રીતે જઈ રહેલી આ રીક્ષાના ચાલક કાના ગઢવી દ્વારા આડેધડ રીક્ષા ચલાવતા આ રીક્ષામાં જઈ રહેલા હંસાબેન તથા તેમની પુત્રી કુંજલ નીચે પટકાઈ પડ્યા હતા. જેના કારણે ગંભીર રીતે ઘવાયેલા હંસાબેનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કુંજલને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ બનાવ અંગે દ્વારકા પોલીસે રમેશભાઈ મારુની ફરિયાદ પરથી રીક્ષા ચાલક કાના ગઢવી સામે કલમ 379, 304 (એ), 337 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.