ખંભાળિયા – જામનગર ધોરી માર્ગ પર અત્રેથી આશરે સાત કિલોમીટર દૂર કંચનપુર વિસ્તારમાં આવેલા ટોલગેટ પાસેથી જીજે-10-એએ-0057 નંબરના મોટરસાયકલ લઈને નીકળેલા દિનેશભાઈ કાનજીભાઈ નકુમ નામના દલવાડી યુવાનના મોટરસાયકલને એક અજાણ્યા ફોર વ્હીલર ચાલકે અડફેટે લેતા પરિવારજનો સાથે જઈ રહેલા દિનેશભાઈ મોટરસાયકલ સાથે ફંગોળાઈ ગયા હતા.
આ જીવલેણ ટક્કરમાં બાઈક પર જઈ રહેલા દિનેશભાઈના પત્ની નીલમબેન નકુમને ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઇક ચાલક દિનેશભાઈને પગમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ થવા પામી હતી. આટલું જ નહીં, તેમની સાથે જઈ રહેલા તેમના પુત્ર સાહિલ તથા પુત્રી પ્રિયાને પણ નાની-મોટી ઇજાઓ સાથે અહીંની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ કરુણ બનાવવા અંગે મૃતકના સસરા કાનજીભાઈ લાલજીભાઈ નકુમની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે આઇ.પી.સી. કલમ 304 (અ) વિગેરે મુજબ ગુનો નોંધી, ધોરણસર તપાસ હાથ ધરી છે.