લાલપુર તાલુકાના આરબલુસ ગામની સીમમાં આવેલા ખેતરમાં ખેતી કામ કરતી આદિવાસી મહિલાએ અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં વૃદ્ધની તબિયત લથડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરમાં રેલવે સ્ટેશન પાછળના વિસ્તારમાં રહેતાં વૃદ્ધાનું બીમારી સબબ મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ લાલપુર તાલુકાના આરબલુસ ગામની સીમમાં આવેલા રમેશભાઈના ખેતરમાં ખેતી કરતા આશાબેન વિજય બાબરીયા (ઉ.વ.20) નામની મહિલાએ ગુરૂવારે સવારના સમયે તેના ખેતરે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે કર્માબેન ભાભોર દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.7 અને રોડ નં.4 માં રહેતાં કેબલનો વ્યવસાય સંભાળતા સમીરભાઈ પ્રદિપભાઈ રાવલ (ઉ.વ.63) નામના વૃદ્ધની તબિયત લથડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્ર સીતાંસુ દ્વારા જાણ કરાતા હેકો વાય.એમ.વાળા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગરમાં રેલવે સ્ટેશન પાછળ આવેલા હનુમાન મંદિર નજીક રહેતાં શાંતાબેન કરશનભાઈ પીત્રોડા (ઉ.વ.65) નામના વૃધ્ધાને બીમારી સબબ તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પહેલાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે શબીરભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી.સામાણી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.