જામનગરની એક મહિલા સામે રૂા. એક લાખનો ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે દસ માસની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ભરવા આરોપીને હુકમ કર્યો છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક મહિનાની કેદની સજાનો આદેશ થયો છે.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં રહેતા મનીષાબેન જગદીશભાઈ કટારમલ પાસેથી સબંધના દાવે શીતલબેન રાજુભાઈ કટારમલે અંગત જરૂરિયાત માટે એક લાખ રૂપિયા હાથ ઉછીના લીધા હતા. તે પછી શીતલબેને પોતાના ખાતાનો એક ચેક આપ્યો હતો.
આ ચેક બેંકમાંથી અપૂરતા નાણાં ભંડોળના શેરા સાથે પરત ફરતાં મનીષાબેને અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર ફરિયાદીના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે શીતલબેન કટારમલને તકસીરવાન ઠરાવી દશ મહિનાની કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ ભરવા હુકમ કર્યો છે. દંડની રકમ ફરિયાદીને વળતર રૂપે ચૂકવી આપવા અને દંડ ભરવામાં આરોપી નિષ્ફળ જાય તો વધુ એક મહિનાની કેદ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. ફરિયાદી તરફે યુવાન ધારાશાસ્ત્રી પિયુષ વી. ભોજાણી, ભાવીન વી. ભોજાણી, અલ્કા પી. નથવાણી, સચીન યુ. જોષી, અર્શ વાય. કાશમાણી અને ફેનિલ એચ. બથીયા રોકાયા હતા.