ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ રાજય સરકાર દ્વારા કોરોનાની સારવારનો માં અમૃતમ્ અને આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગે સરકાર દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવેલાં સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે, પરંતુ સતાવાર રીતે રાજય સરકાર દ્વારા પબ્લીકલી કોઇ જાહેરાત કરવામાં આવી ન હોય ગરીબ અને જરૂરીયાતમંદ કાર્ડ ધારક લોકોમાં અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે. સરકાર દ્વારા આ અંગે હજૂ સુધી કોઇ જ ગાઇડલાઇન કે પરિપત્ર બહાર પાડયા નથી. પરિણામે સોગંદનામામાં કરાયેલી ઘોષણા હજૂ ‘ભેંસ ભાગોળે ને છાસ છાગોળે’ કહેવત જેવી બની રહી છે.
રાજયમાં કોરોનાના વધતાં સંક્રમણને ધ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટે સરકાર સામે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. લગભગ દરેક મુદ્ે સરકારને કોર્ટમાંથી આકરી ફટકાર પડી રહી છે. ત્યારે તાજેતરમાં સરકાર તરફથી રજૂ કરવામાં આવેલાં સોગંદનામામાં કોરોનાની સારવારનો મા અમૃતમ્ અને આયુષ્યમાન કાર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ બાબત તૂરંત જ મીડિયા મારફત રાજયભરમાં હાઇલાઇટ થઇ જતાં જરૂરીયાતમંદ દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં કાર્ડ આધારીત સારવારની વિગતો જાણવા ઉત્સુક બન્યા છે. અસંખ્ય લોકો અખબારોની કચેરીએ વિગતો જાણવા માટે સંપર્ક કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા સતાવાર રીતે આ અંગે હજૂ કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
માં અમૃતમ્ કાર્ડ ધરાવતાં લોકોને ખાનગી હોસ્પિટલોમાં કઇ રીતે સારવાર મળશે તે જાણવા માટે ‘ખબર ગુજરાત’એે જામનગર સ્થિત માં અમૃતમ્ અને આયુષ્યમાન કાર્ડ યોજનાના કો-ઓર્ડિનેટર ગિરીશ કરેણાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા કાર્ડ ધારકોને કોરોનાની સારવાર આપવા માટેની કોઇ જ ગાઇડલાઇન તેમજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યાં નથી. સરકાર દ્વારા વિસ્તૃત પરિપત્ર મોકલવામાં આવ્યા બાદ જ આ અંગે કશું જણાવી શકાશે. હાલ જે ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓને સારવાર આપી રહી છે. તે હોસ્પિટલો માં માં કાર્ડ માન્ય રહેશે કે કેમ ? દર્દીને કાર્ડની મર્યાદામાં સારવાર મળશે કે કેમ? તેવા અનેક પ્રશ્ર્ન લોકો માંથી ઉઠી રહ્યા છે. ત્યારે હાલ તૂર્ત આવા કોઇ પણ પ્રશ્ર્નોનો જવાબ આપવા પોતે અસર્મથ હોવાનું ગિરીશભાઇ કરેણાએ જણાવ્યું હતું.
હાલ તૂર્ત તો રાજય સરકારની આ જાહેરાત સોગંદનામા પૂરતી મર્યાદિત હોઇ તેમ જણાય રહ્યું છે. માં અમૃતમ્ કાર્ડની મુદ્ત ત્રણ મહિના વધારવાની હોંશેહોંશે જાહેરાત કરનાર રાજય સરકાર કાર્ડમાં કોરોના સારવારના સમાવેશની જાહેરાતને લઇને કેમ ઉદાસિન છે? શું કોરોના સંક્રમણ હળવું થયા બાદ જાહેરાત કરવામાં આવશે? આ સમયે કે જયારે ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓને માં અમૃતમ્ કાર્ડની સૌથી વધુ જરૂરીયાત છે. ત્યારે આ પ્રકારનો વિલંબ શા માટે? શું પરિપત્ર અને ગાઇડલાઇન માટે પણ હાઇકોર્ટે ફટકાર લગાવી પડશે? રામ જાણે…