જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં રહેતા મહિલાને તેણીના પતિ સાથે સંતાન અને ઉછેર અને ભવિષ્ય બાબતે થયેલી બોલાચાલીનું મનમાં લાગી આવતા તેના હાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં રહેતાં અને પીજીવીસીએલમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઈ સરપદડિયા નામના યુવાનને તેની પત્ની કવિતાબેન સાથે સંતાનોના ઉછેર અને ભવિષ્ય બાબતે બોલાચાલી થઈ હતી. દંપતી વચ્ચે થયેલી બોલાચાલીનું મનમાં લાગી આવતા કવિતાબેન સરપદડિયાએ મંગળવારે બપોરના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં કવિતાબેનનું ગુરૂવારે બપોરના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગેની પ્રકાશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.એચ.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.