Saturday, December 28, 2024
Homeરાષ્ટ્રીયGSTમાં ખરીદીની વિગતો સરકાર શા માટે નથી માંગતી?!

GSTમાં ખરીદીની વિગતો સરકાર શા માટે નથી માંગતી?!

પ્રમાણિક કરદાતાઓની પરેશાની વધી અને કુંડાળા કરનારાઓની સંખ્યા પણ વધતી જાય છે !

- Advertisement -

સરકારને ખરીદીની વિગતો આપતું જીએસટીઆર-2 ભરાવવાની સિસ્ટમ લાવ્યા પછી સિસ્ટમ પાછી ખેંચી લીધી હોવાથી બોગસ બિલિંગ અટકતું જ નથી. આ સ્થિતિનો લાભ લઈને કૌભાંડ કરનારાઓ સાચો ડેટા જ ઓનલાઈન અપલોડ કરતાં જ નથી અને બોગસ બિલિંગ કરીને સરકારી તિજોરીમાંથી અબજો રૂપિયા ખેંચી જઈ રહ્યા છે.

- Advertisement -

છેલ્લા છ માસમાં ગુજરાતમાં ત્રણ હજાર કરોડથી વધુ રકમના બોગસ બિલિંગના કેસો પકડાયા હોવાનો અંદાજ છે. જીએસટીના રજિસ્ટ્રેશનને સાવ જ સસ્તુ બનાવી દીધું હોવાથી ગમે તેના દસ્તાવેજો જીએસટીની કચેરીમાં રજૂ કરીને તેને આધારે કોઈપણ ગઠિયો જીએસટીનું રજિસ્ટ્રેશન મેળવી લઈને બોગસ બિલિંગનું કૌભાંડ આચરવા માંડી જાય છે.

આમ રજિસ્ટ્રેશનની અરજી કર્યા પછી મોટાભાગના કેસમાં સ્પોટ વિઝિટ ન કરવામાં આવતી નથી. તેમાંય ખાસ કરીને જેના પાનકાર્ડ અને આધારકાર્ડ લિન્ક થયા હોય તેવા કેસમાં સ્પોટ વિઝિટ કરવાનું ટાળવામાં આવી રહ્યું છે.

- Advertisement -

સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે ગરીબ વ્યક્તિના આધારકાર્ડ અને પાનકાર્ડ લઈને તેમના નામે કંપનીનું રજિસ્ટ્રેશન કરાવી લઈને પછી કરોડોના અને કેટલાક કેસોમાં અબજોના બોગસ બિલ બનાવી લઈને સરકારની તિજોરીમાંથી અબજો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ બારોબાર મેળવી લઈને કૌભાંડ આચરવામાં આવી રહ્યા છે.

ગરીબ અને અજાણ વ્યક્તિના પાનકાર્ડ આધારકાર્ડ સહિતના દસ્તાવેજોનો દુરૂપયોગ થતો રોકવામાં જીએસટીનું તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. જેના દસ્તાવેજોનો ઉપયોગ થયો છે તે વ્યક્તિ ગરીબ અને અભણ હોવાનું જણાવી તેમને જતાં કરી દેવામાં આવે છે. તેનો પણ દુરૂપયોગ બોગસ બિલિંગ કરનારાઓ કર્યા કરે છે. તેમને મહિને રૂા. 5000થી 10,000 આપી દઈને તેમને ફોંસલાવી લે છે.

- Advertisement -

પરંતુ જીએસટીના અધિકારીઓ સ્પોટ વિઝીટ કરીને રજિસ્ટ્રેશન માટે અરજી કરનાર સાચો છે કે નહિ તેની બરાબર ચકાસણી પણ કરતાં નથી. પહેલા અરજી કર્યાના સાત દિવસમાં સ્પોટ વિઝીટ કરવાનો નિયમ હતો. આ નિયમ બદલીને 21 દિવસનો કરી દેવામાં આવ્યો છે.

તેમ છતાંય અધિકારીઓને ખુશ કર્યા વિના સ્પોટ વિઝીટ થતી જ નથી. તેથી જ આજે જીએસટીની સિસ્ટમ અમલમાં આવ્યાના ચાર વર્ષ પૂરા થયાં છતાંય બોગસ બિલિંગની સમસ્યા સતત વકરી જ રહી છે. બોગસ બિલિંગ કરનારાઓ બાર મહિના સુધી બોગસ બિલ બનાવીને અબજોની ટેક્સ ક્રેડિટ મેળવી લે ત્યાં સુધી જીએસટી ડિપાર્ટમેન્ટ ઉંઘતું જ રહે છે.

પોતાની આ ક્ષતિને છાવરવા માટે જીએસટીની ચેઈનમાં ત્રણ જેન્યુઈન વેપારી પછી ચોથો વેપારી જો બોગસ બિલિંગમાં આવે તો તેની સાથે સંકળાયેલા બીજા ત્રણ વેપારીને પણ બોગસ બિલિંગ કરનારાઓની કેટેગરીમા ંજ મૂકી દઈને જીએસટીના અધિકારીઓ વેપારીઓની હાલત કફોડી કરી દે છે.

પરિણામે વેપારીએ તેની સાથે સંકળાયેલા એક જ વેપારીનું નહિ, પરંતુ આખી ચેઈનમાં સંકળાયેલા તમામ વેપારીઓનું ધ્યાન રાખવું પડી રહ્યું છે. આ બાબત કોઈપણ વેપારી માટે શક્ય જ નથી. તેની સાથે સીધા સંકળાયેલા વેપારીને અન્ય કયા વેપારી સાથે કેવા વહેવાર છે તે જાણવાની કે તેના પર નજર રાખવાની તે વેપારીની ફરજ કે જવાબદારી જ નથી.

વેચાણ કરનાર વેપારીનું જીએસટીઆર-1 જમા થયા પછી ખરીદનારના ખાતામાં વેચાણની વિગતો સાથે જીએસટીઆર-2બી ઓટો પોપ્યુલેટેડ થાય છે. આ ઓટો પોપ્યુલેટેડ થયાને બાર મહિના બાદ અધિકારીઓ એવા તારણ પર આવે કે વેચાણ કરનાર વેપારી ખોટો છે તો ખરીદ કરનાર વેપારીની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ફ્રીજ કરી દેવામાં આવે છે.

બોગસ બિલિંગ અટકાવવા માટે ખરીદીની વિગતો દર્શાવતું જીએસટીઆર-2 ફરજિયાત કરાવવું જરૂરી બની ગયું છે. સરકારના પોર્ટલ પર અત્યારે ખરીદીની વિગતો જ બરાબર અપલોડ થતી નથી. પરિણામે ટેક્નોલોજીને ભરોસે શરૂ કરવામાં આવેલી સમગ્ર સિસ્ટમમાં બેફામ કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે. તેમાં પ્રામાણિક વેપારીઓના પૈસા જમા થઈ રહ્યા છે. આ જ પૈસા ગેરકાયદેસર રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે ઉપાડી લઈને રાતોરાત સમૃદ્ધ બની રહ્યા છે.

આજકાલ કોઈએ બેન્ક લોન માટે અરજી કરતી વેળાએ આપેલા દસ્તાવેજો એટલે કે પાનકાર્ડ આધારકાર્ડનો ઉપયોગ કરીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના રજિસ્ટ્રેશન માટે અરજી કરી દેવામાં આવે છે. અધિકારીને ફોડીને આ અરજીને ઝડપથી મંજૂર પણ કરાવી લેવામાં આવે છે. આ સ્થિતિમાં સ્પોટ વિઝીટ મહત્વની બની જાય છે.

સ્પોટ વિઝીટ કરનાર અધિકારીને રજિસ્ટ્રેશનમાં ગરબડ આવે તો જવાબદાર ગણીને પગલાં લેવાના નિયમ બનાવવા જરૂરી છે. તેમ જ સ્પોટ વિઝિટ કર્યાના ઑડિયો વિડિયો રેકોર્ડિંગના પુરાવાઓ પણ સરકારે સાથે રાખવા જોઈએ. તેમ કરવાથી રજિસ્ટ્રેશન લેનાર ખરેખર વ્યક્તિ કોણ છે તેનો અંદાજ આવી જશે. અધિકારીઓ દ્વારા રજિસ્ટ્રેશન માટે સ્પોટ વિઝીટ કરવામાં આચરવામાં આવતા કૌભાંડ પર પણ પડદો પડી જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular