દેશની રાજધાની દિલ્હીથી ચૂંટાઇ આવેલા ભાજપ સાંસદ ગૌતમ ગંભીર દ્વારા કોરોના દર્દીઓમાં થયેલા દવા વિતરણ કેસમાં દિલ્હી હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સોમવારે સુનાવણી હાથ ધરતાં હાઇકોર્ટે ગૌતમ ગંભીરને ક્લીન ચીટ આપ્યા બદલ ડ્રગ કંટ્રોલરને કડક ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે તમે જો તપાસ ના કરી શકતા હોય તો કોર્ટને જણાવી દો, કે જેથી કોર્ટ તપાસની જવાબદારી કોઇ અન્યને સોંપી શકે.
આ કેસમાં ગૌતમ ગંભીર પર આક્ષેપ છે કે તેમણે અને અન્ય લોકોએ કોરોના વાઇરસ સારવાર માટેની દવાનો સંગ્રહ કર્યો હતો. ડ્રગ કંટ્રોલરે સોમવારે આ કેસમાં રજૂ કરેલા સ્ટેટસ અહેવાલને ફગાવી દેતાં કોર્ટે ડ્રગ કંટ્રોલરને તાકીદે કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન કર્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, ડ્રગ કંટ્રોલર આજે જ કોર્ટ સમક્ષ હાજર થાય. જો તેઓ પોતાનું કામ ના કરી શકતા હોય તો અમે તેમને સસ્પેન્ડ કરી દઇશું. આ પહેલાં હાથ ધરાયેલી સુનાવણી કાર્યવાહી દરમિયાન કોર્ટે ભાજપ સાંસદ દ્વારા થયેલા દવા વિતરણ સામે સવાલ ઉઠાવ્યા હતા.
દિલ્હી હાઇકોર્ટે ડ્રગ કંટ્રોલરને કહ્યું હતું કે, તમારા તપાસ અભિગમમાં જ ભૂલ છે. તબીબોએ માગણી કરી ત્યારે તે દવા તેમને શા માટે ના આપવામાં આવી? તમે કેસના એક મહત્ત્વના મુદ્દાની તપાસ નથી કરી કે દવાનો આટલો મોટો જથ્થો એક એવા ફાઉન્ડેશનને કઇ રીતે પૂરો પાડવામાં આવ્યો કે જે ડીલર જ નથી.