દેશમાં ઓમિક્રોનના વધી રહેલા કેસ વચ્ચે WHOએ સીરમ ઇન્સ્ટીટ્યૂટે તૈયાર કરેલી બાળકોની રસી કોવાવેકસને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ ટ્વીટ કરી આ અંગેની માહિતી આપી છે. તેમણે આ કપરા સમયમાં ’કોવાવેકસ’ને મુદ્દે વિશ્વ આરોગ્ય સંગઠને લીધેલા નિર્ણયને મહત્વનું પગલુ ગણાવ્યું છે. તેમનું કહેવુ છે કે, બાળકો માટેની રસી ’કોવાવેકસ’ વધારે અસરકારક અને સુરક્ષિત છે.
કોવાવેકસ કોરોના વેકસીનને સીરમ ઇન્સ્ટીટ્યૂટે નોવાવેકસ કંપની સાથે મળીને તૈયાર કરી છે. આ વેકસીનના પરીક્ષણ મહત્વના સકારાત્મક પરિણામ સામે આવ્યા છે. જેના લીધે વિશ્ર્વ આરોગ્ય સંગઠને રસીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હોવાનું માનવામાં આવે છે. WHOનું કહેવુ છે કે, ઓછી આવકવાળા વિકાસશીલ દેશોમાં આ વેકસીન વધુ ફાયદાકારક નિવડશે અને આવા દેશોમાં રસીકરણ ઝડપથી કરી શકાશે.
આ વિશે WHOના ડો. મેરીએન્જેલા જણાવે છે કે, નવા વેરિયન્ટ વચ્ચે વેકસીન જ એક પ્રભાવશાળી સાધન છે જે લોકોને ગંભીર બીમારીથી બચાવી શકે એમ છે. તેમણે જણાવ્યા અનુસાર દુનિયામાં 41 દેશ એવા છે જયાં 10 ટકાથી ઓછા પ્રમાણમાં રસીકરણ થયું છે. જયારે 98 દેશ એવા છે જયાં 40 ટકા રસીકરણ નથી થયું. એવામાં વેકસીનને મંજૂરી આવા દેશોમાં રસીકરણને ઝડપી બનાવવામાં મદદરુપ બની શકે છે.
કંપનીએ ભારતમાં પણ કોવાવેકસના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કંપની દાવો કરી રહી છે કે કોરોના વિરુદ્ઘ લડાઈમાં કોવાવેકસ કોરોના વેકસીન નિર્ણાયક ભૂમિકા ભજવશે. વર્તમાન સમયમાં દેશમાં કોવિશીલ્ડ અને કોવિડની અન્ય રસીઓ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે મંજૂરી પ્રાપ્ત છે. અત્યાર સુધી બાળકોમાં આ વાયરસના ગંભીર લક્ષણો જોવા નથી મળ્યા. પરંતુ ઓમિક્રોનને લઇને વિશ્ર્વ આરોગ્ય સંગઠનના આંકડા દર્શાવે છે કે આ ઓમિક્રોન સંક્રમણ બાળકોને મોટા પ્રમાણમાં પ્રભાવિત કરી શકે છે.