સેલિબ્રિટીના ટ્વીટની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર સરકારે અનેક મહત્વપૂર્ણ ઘટસ્ફોટ કર્યા છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે, તપાસમાં ભાજપના આઇટી સેલના વડા અને 12 ઈન્ફલૂએંસરના નામ બહાર આવ્યા છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ કોરોનાથી સ્વસ્થ થયા બાદ પ્રથમ વખત મીડિયા સાથે વાત કરી રહ્યા હતા.
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, તેમણે ક્યારેય કહ્યું નથી કે સેલિબ્રિટીની તપાસ કરવામાં આવશે. દેશમુખે કહ્યું કે મારા નિવેદનને બદલીને રજૂ કરવામાં આવ્યું હતું છે, મેં ક્યારેય કહ્યું નથી કે સેલિબ્રિટીની તપાસ કરવામાં આવશે, લતા મંગેશકર આપણા માટે ભગવાન છે, આખું વિશ્વ સચિન તેંડુલકરનું સન્માન કરે છે. ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, અમે ભાજપના આઇટી સેલની ભૂમિકાની તપાસ કરી રહ્યા છીએ, ટ્વીટ્સ તેમના પ્રભાવ હેઠળ કરવામાં આવી હતી કે નહીં. મોટો ખુલાસો કરતા અનિલ દેશમુખે કહ્યું કે, અત્યાર સુધીમાં ભાજપના ટોચના આઇટી ચીફ અને 12 પ્રભાવકોના નામ બહાર આવ્યા છે.
ખેડૂત આંદોનલને લઈને ક્રિકેટરો સહિત અનેક બોલિવૂડ હસ્તીઓએ ટ્વીટ કર્યુ હતું. મુંબઇ કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે આરોપ લગાવ્યો હતો કે ભાજપના દબાણ હેઠળ જાણીતા લોકો વતી ટ્વીટ કરવામાં આવી છે. આ આરોપના આધારે મહારાષ્ટ્ર સરકારે તપાસના આદેશ આપ્યા છે.
કોંગ્રેસના નેતા સચિવ સાવંતે આરોપ લગાવ્યો હતો કે અક્ષય કુમાર અને સાયના નેહવાલે એકસરખી રીતે ટ્વિટ કર્યા હતા. અમને લાગે છે કે આની પાછળ ભાજપનો હાથ છે. સુનિલ શેટ્ટીએ ભાજપના એક નેતાને ટેગ પણ કર્યા હતા, જેથી ભાજપની ભૂમિકા સંપૂર્ણ રીતે સામે આવી છે. પાર્ટી(ભાજપ)ની બીસીસીઆઈમાં પણ ભૂમિકા છે અને તેથી જ કેટલાક ક્રિકેટરોએ પણ આ જ દિશામાં ટ્વીટ કરી હતી.
આ કેસમાં ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે, આ સેલિબ્રિટીઓએ ટ્વીટ કોઈ દબાણમાં કર્યા છે? અમારી ગુપ્તચર એજન્સીઓ આ બાબતે તપાસ કરશે. અક્ષય કુમાર અને સાયના નેહવાલના ટ્વીટ એક જેવા જ હતા તેને જોવામાં આવશે. ભાજપના નેતાને ટેગ કરનાર સુનિલ શેટ્ટીના ટ્વીટ પણ તપાસ કરવામાં આવશે.
આ અંગે ભાજપના નેતા રામ કદમે કહ્યું હતું કે, લતા દીદી, સચિન તેંડુલકરની તપાસનો નિર્ણય આ ખાતરી થાય છે કે કોંગ્રેસને દેશ કરતા પાર્ટી વધારે પસંદ છે. શું દેશ હિતમાં આ સેલિબ્રિટીનું ટવીટ કરવું કોઈ ગુનો છે? કોંગ્રેસ લતા દીદી અને સચિનની માફી માંગીને નિર્ણય પાછો લેવો જોઈએ.