થોડા સમય પહેલાં આવેલી સફળ થયેલી સિંઘમ ફિલ્મમાં એક ડાયલોગ છે ‘ડીજીપી હે હી કહાં? ઉસકો તો બીપી હે વો ઘર પે આરામ કર રહા હૈ’ આ ડાયલોગ સારી કાર્યવાહીના સંદર્ભમાં વણાયેલો છે. પરંતુ જામનગરમાં પરિસ્થિતિ વિપરીત કહી શકાય તેમ છે. જામનગર શહેર અને જિલ્લાની શાંતિપ્રિય અને સહનશીલ પ્રજા હંમેશા તંત્રની બેદરકારીના કારણે ત્રાસ ભોગવતી હોય છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લાં થોડા સમયથી શહેરના મુખ્ય રાજમાર્ગો પર તહેવારોની મોસમમાં સતત અવાર-નવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા હતાં. તહેવારોમાં ટ્રાફિક થાય એ સામાન્ય બાબત છે પરંતુ ટ્રાફિક પોલીસની ફરજ ન નિભાવવાની બેદરકારીના કારણે જામનગરની પ્રજા ટ્રાફિકજામનો ત્રાસ ભોગવે છે.
વસ્તી વિસ્ફોટ ધરાવતા ભારત દેશમાં મેટ્રો શહેરમાં ટ્રાફિક જામ થવો સામાન્ય બાબત છે. પરંતુ, નાના અને મધ્યમ શહેરોમાં ટ્રાકિફ જામ કયારેક થાય તો રૂટિન ગણી શકાય. પરંતુ સમયાંતરે થતો ટ્રાફિકજામ એ પોલીસની બેદરકારની કારણે થતો હોય છે. હાલમાં તહેવારોની મોસમ હોવાથી એક પછી એક તહેવારો આવતા હતાં. જેના કારણે ભારતમાં ધાર્મિક ઉત્સવોનો મહત્વ વધુ હોય છે. જેથી તહેવારોમાં લોકો શહેરોમાં ખરીદી કરવા નિકળતા હોય છે. આ તહેવારોની મોસમમાં ગુજરાતના મહાનગરમાં ટ્રાફિકજામ થાય તો એ સામાન્ય કહી શકાય. પરંતુ છેવાડે આવેલા આશરે 8 લાખની વસ્તી ધરાવતા જામનગર શહેરમાં તહેવારોની સીઝનમાં લગભગ મોટાભાગના શહેરીજનોએ ટ્રાફિકજામનો ભોગ બનવું પડયું છે અને શહેરના મુખ્ય રાજમાર્ગો પર અવાર-નવાર ટ્રાફિક જામ થતો રહે છે.
કોઇ કોઇ દિવસ ટ્રાફિક જામ થાય તે સામાન્ય બાબત છે. પરંતુ તહેવારોમાં ખાસ કરીને મુખ્ય રાજમાર્ગો પર ટ્રાકિફ પોઇન્ટ ઉપર ફરજ બજાવવાને બદલે એક તરફ ખૂણામાં બેસીને મોબાઇલમાં વ્યસ્ત એવા ટ્રાફિકના જવાનો તથા પોલીસ કર્મીઓના કારણે શહેરમાં તહેવારો દરમિયાન સતત ટ્રાફિક જામનો સામનો શહેરીજનોએ કરવો પડયો હતો. તેમાં પણ ખાસ કરીને બેડી ગેઈટ, રણજીત રોડ, ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલ રોડ, ગુરૂદ્વારા ચોકડી જેવા પોઇન્ટ પર ટ્રાફિક પોલીસની સાથે સાથે ટીઆરબીના જવાનો ફરજ બજાવતા હોય છે. મોટાભાગના દિવસોમાં મુખ્ય પોઇન્ટો ઉપર ફરજ બજાવતા જવાનો મોબાઇલમાં વ્યસ્ત જોવા મળે છે. જેને કારણે ટ્રાફિક વાહન ચાલકો સંચાલિત જ ચાલતો જોવા મળે છે જે ગંભીર બાબત છે. કેમ કે, ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનો પ્રજાના પૈસે ફરજ બજાવતા હોય છે. ત્યારે પ્રજા આ કર્મચારીઓ પોતાની ફરજ નિષ્ઠાથી બજાવે તેવી રાખી શકે તો નવાઈ ન કહેવાય…! પરંતુ, દુ:ખદ બાબત એ છે કે, શહેરના મોટાંભાગના ટ્રાફિક પોઈન્ટ પર કર્મચારીઓ ખૂણામાં બાઇક પર અથવા તો ઓટલા પર બેસીને મોબાઇલમાં વ્યસ્ત જ જોવા મળે છે. જેના કારણે તમને જામનગર શહેરનો ટ્રાફિક વાહનચાલકો સંચાલિત જ જોવા મળે છે.
જામનગર શહેરના માર્ગો પર જાણે કે ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનો છે જ નહીં તેવી પરિસ્થિતિ લગભગ બધા જ મુખ્ય માર્ગ પર દરેક શહેરીજન અનુભવતો હોય છે. પરંતુ આ તકલીફો કે બેદરકારીઓ શું વહીવટી તંત્રના કર્તાહર્તા અને સમાનહર્તા એવા પોલીસ અધિક્ષક કે જિલ્લા કલેકટરના ધ્યાનમાં આવતી જ નહીં હોય ? કે પછી તેઓના પસાર થવાના સમયે પોઇન્ટ પરના કર્મચારીઓ એટેન્શનમાં આવી જતા હોય છે ?
હાલમાં રાજ્ય સરકાર દ્વારા ફરજમાં બેદરકાર એવા ટીઆરબીના જવાનોને છૂટા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે સાચા અર્થમાં સરાહનીય છે કેમ કે રાજ્યમાં નવ હજાર જેટલા ટીઆરબીના જવાનો ફરજ બજાવે છે તેમાં જામનગરમાં પણ 90 થી વધુ ટીઆરબીના જવાનો પોલીસને મદદરૂપ રોલમાં ફરજ બજાવવાની હોય છે. પરંતુ તેઓ પોઇન્ટ ઉપર ફરજના સમય દરમિયાન મોટાભાગનો સમય મોબાઇલમાં જ વિતાવતા હોય છે.