કોરોના રસીકરણને લઇને સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકાર પાસેથી વેક્સિનને લઇને માહિતી માંગી છે. કેન્દ્રએ ક્યારે અને કેટલી વેક્સિનની ખરીદી કરી તેમજ અત્યાર સુધી કેટલા લોકોનું રસીકરણ કરવામાં આવ્યું તે તમામ ડેટા રજુ કરવા જણાવ્યું છે.
જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ એલ.એન.રાવ અને ન્યાયાધીશ એસ. રવિન્દ્ર ભટ્ટની વિશેષ ખંડપીઠે કહ્યું હતું કે, “કેન્દ્ર સરકાર પોતાનું સોગંદનામું ફાઇલ કરતી વખતે, તે સુનિશ્ચિત કરશે કે રસીકરણ નીતિ અને ફાઇલ નોંધની નકલો અંગે તેનો શુ મત છે અને તે અંગેના તમામ જરૂરી દસ્તાવેજો તેમજ રસીકરણને લઇને લાગત તમામ જરૂરી માહિતી પણ દર્શાવે.”
આ ઉપરાંત કોર્ટે સરકારને આદેશમાં કહ્યું કે સરકાર જે ડેટા આપે તેમાંએ પણ દર્શાવે કે કોવિશિલ્ડ, કોવેક્સીન અને સ્પૂતનીક-વી ખરીદવા માટે સરકારે ક્યારે ક્યારે અને વેક્સીનનો કેટલો જથ્થો મંગાવ્યો, ઉપરાંત કેટલા લોકોને પ્રથમ ડોઝ અને બીજો ડોઝ આપવામાં આવ્યો અને ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં કેટલા લોકોનું રસીકરણ થયું તે પણ વિગતોમાં જણાવવા કહ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પાસેથી એ પણ જવાબ માંગ્યો છે કે બાકી બચેલા લોકોનું વેક્સિનેશન ક્યાં સુધીમાં કરવામાં આવશે.