સરકારી ગોડાઉનમાં ઘઉં અને ચોખાનો સ્ટોક ઘટીને પાંચ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. તે જ સમયે, છૂટક અનાજની કિંમત સપ્ટેમ્બર મહિનામાં 105 મહિનાની ટોચ પર પહોંચી ગઈ છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, 1 ઓક્ટોબરના રોજ જાહેર વેરહાઉસમાં ઘઉં અને ચોખાનો કુલ સ્ટોક 511.4 લાખ ટન હતો. જ્યારે ગયા વર્ષે તે 816 લાખ ટન હતું. ઘઉં અને ચોખાનો સ્ટોક 2017 પછી સૌથી નીચા સ્તરે છે. 1 ઓક્ટોબરે ઘઉંનો સ્ટોક માત્ર છ વર્ષની નીચી સપાટીએ જ નહોતો, પણ બફર સ્ટોક કરતાં થોડો વધારે હતો. જોકે, ચોખાનો સ્ટોક જરૂરી સ્તર કરતાં લગભગ 2.8 ગણો વધુ હતો. એફસીઆઈના ગોડાઉનમાં ચાર વર્ષ પહેલાની સરખામણીમાં ઓછો અનાજ ઉપલબ્ધ છે. FCIના ગોડાઉનમાં સ્ટોકમાં ઘટાડો ચિંતાનો વિષય છે. નોન-પીડીએસ (જાહેર વિતરણ પ્રણાલી) ઘઉં અને લોટ માટે વાર્ષિક છૂટક ફુગાવો સપ્ટેમ્બરમાં 17.41 ટકાની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો છે, જે છેલ્લા આઠ મહિનામાં સૌથી વધુ છે. ભાવમાં ઘટાડો થવાની શકયતાઓ મર્યાદિત છે, કારણ કે ખેડૂતોએ હજુ સુધી ઘઉંનું વાવેતર કર્યું નથી અને આગામી પાક 15 માર્ચ પછી જ બજારોમાં આવશે.