કોરોના મહામારી આપણાં સૌ માટે અજાણી બાબત છે. દુનિયાભરમાં, વિકસિત અને શ્રીમંત દેશોમાં પણ લાખો કોરોના દર્દીઓના મોત થયાં. ભારતમાં પણ મોતનો આંકડો 4 લાખને પાર થઇ ચુકયો છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમ્યાન દેશમાં કોરોના દર્દીઓની જે સારવાર કરવામાં આવી તેમાં ઘણી બધી ચુક સરકાર અને નિષ્ણાંતોના સ્તરે જોવાં મળી. સારવાર બાદ લાખો કોરોના દર્દીઓ અન્ય બિમારીઓનો ભોગ બન્યા છે અને બની રહ્યા છે. આમ છતાં કોરોનાની સારવારને વધુ ચોકકસ અને રેકટીફાઇડ બનાવવા અંગે બહુ ધ્યાન આપવામાં આવતું નથી. આ મુદ્દો ગંભીર છે. ધારોકે, ત્રીજી લહેરમાં પણ યોગ્ય સારવારના અભાવે મોતની સંખ્યા વધુ નોંધાય, તો?!
સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી જામનગર-રાજકોટ-ગુજરાત સહિત દેશભરમાં હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્ર સજ્જ કરવામાં આવી રહ્યા છે. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અછતના ગોકીરા વચ્ચે વેક્સિન પણ આપવામાં આવી રહી છે. ઘણાં શહેરોમાં સ્મશાનોની સંખ્યા વધારવામાં આવી રહી છે. સારવાર માટેના ઔષધોનું મોટાં પાયે નિર્માણ થઇ રહ્યું છે. આ બધી જરૂરી બાબતો છે. એ ખરું પરંતુ ધારોકે ત્રીજી લહેર આવે અને પછી ચોથી-પાંચમી લહેર આવે તો, સારવાર મુદ્ે આપણે કેટલાં સજ્જ છીએ?
બીજી અને ત્રીજી લહેર દરમ્યાન જે સારવાર પધ્ધતિ અપનાવવામાં આવી અને દર્દીઓને જે ઇંજેકશન અને દવાઓ આપવામાં આવી, તેની આડઅસરો આપણે સૌ જાણીએ છીએ. સંભવિત ત્રીજી લહેર આવે તો અને ત્યારે કોરોના દર્દીઓની સારવાર કેવી રીતે કરવામાં આવશે? એ અંગે કયાંય ચર્ચા થતી નથી. હોસ્પિટલો કે સ્મશાનોનું નિર્માણ માત્ર, મહામારી સામે લડવાના પૂરતા ઉપાયો નથી. કોરોના દર્દીઓની સારવારને રેકટીફાઇડ અને ચોકકસ બનાવવી પડશે અને એમ કરવાથી જ આપણે કોરોના મોતની સંખ્યાને નિયંત્રિત કરી શકીશું. પ્રથમ અને બીજી લહેર દરમ્યાન સરકારોએ મોતની સંખ્યા અંકુશમાં હોવાનું દેખાડવા માટે મોતના ખોટાં આંકડાઓ જાહેર કર્યા હતાં. પરંતુ પ્રજાને ખ્યાલ છે, કોરોના કેટલાં લોકોને ભરખી ગયો છે.
કોરોનાની ત્રીજી લહેરથી બચવા, શું થવું જોઇએ?
પ્રથમ અને બીજી લહેરમાં દેશમાં કોરોના દર્દીઓની આડેધડ સારવારથી મોતનો આંકડો 4,00,000ને પાર !