સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં સરકારી નોકરીઓ અને શિક્ષણમાં મરાઠા સમુદાયને અપાયેલી 16 ટકા અનામત રદ કરી દેતાં ભાજપ અને મોદી સરકાર ચિંતામાં છે. મોદી સરકારની ચિંતાનું કારણ એ છે કે, સુપ્રીમ કોર્ટે અનામત મુદ્દે મહત્તમ 50 ટકાની મર્યાદાને માન્ય રાખી છે. સુપ્રીમ કોર્ટે 50 ટકા કરતાં વધારે અનામત ના હોવી જોઈએ એવા અગાઉના ચુકાદાઓ અંગે ફેરવિચારણાનો પણ ઈન્કાર કરી દીધો. તેના કારણે સમાનતાના સિધ્ધાંતનો ભંગ થશે એવો મત સુપ્રીમ કોર્ટે વ્યક્ત કર્યો.
નિષ્ણાતોના મતે, આ ચુકાદાએ મોદી સરકારે સવર્ણોમાં આર્થિક રીતે પછાત વર્ગ (ઈડબલ્યુએસ) માટે કરેલી 10 ટકા અનામત રદ કરવાનો તખ્તો તૈયાર કરી દીધો છે કેમ કે ઈડબલ્યુએસ અનામતના કારણે અનામતની ટકાવારી 50 ટકાથી વધી જાય છે.
મોદી સરકારે ગુજરાતના પાટીદારો સહિતના સવર્ણોને ખુશ કરવા 10 ટકા ઈડબલ્યુએસની જોગવાઈ કરી હતી. આ અનામત રદ થાય તો સવર્ણો ભડકી જાય તેની મોદીને ચિંતા છે. સવર્ણો ભાજપની મુખ્ય મતબેંક છે તેથી રાજકીય રીતે ભાજપને મોટો ફટકો પડી જાય.