(આપણા મનની અધૂરી પરિભાષા, સમગ્ર
જીવનની અભિલાષા નક્કી કરે છે.)
ક્યારેક ઘટતું, તો કયારેક પૂર્ણ, તો ક્યારેક,
અધૂરા મન થકી પરિભાષા રહે છે,
ક્યારેક આપણે, તો ક્યારેક અન્ય થકી,
જીવન સમીપ અભિલાષા રહે છે.
જીવન એ એક સત્સંગ છે અને આપણે તેના સત્સંગી છીએ. જીવનમાં કોઈ પણ વ્યક્તિના ભૂતકાળ બાદ, ફક્ત એમની ઈચ્છા અમર રહી જતી હોય છે. કોઈનું ‘કદાચ’, ‘પરંતુ’ અને ‘નિસાસા’ થકી, ઘણું ખરું અપૂર્ણ રહી જતું હોય છે. જીવન સમીપ અનેકવાર આપણને ઘણું ખરું મળતું હોય છે, જયારે ક્યારેક જ આપણે તેમને કંઇક અંશે આપતા હોઈએ છીએ અને જીવન થોડા અંશે ‘કંઇક’ આપણી સમક્ષ ઈચ્છા રાખતું હોય છે અથવા માંગતું હોય છે. માનવીની હંમેશાની માનસિકતા છે, જે નથી મળ્યું એ જ મેળવવાની ઝંખના હોય છે અને મળ્યા બાદ, એ ઝીણવટ ભરી ચોકસાઈ નથી હોતી. મન, જે અનેક વમળો વચ્ચે ઘેરાયેલું હોય છે અને આ વમળોમાનું કોઈ એક વમળ, આપણી પાસેથી કંઇક માંગ કરે છે અને આ માંગ, આપણે જીવન પાસેથી કરતા હોઈએ છીએ, ત્યારે આપણી સમીપ જે છે, તેમનું ગૌરવ કરવાનું રહી જતું હોય છે અને આપણું માન આપણા વમળ થકી જીવન પાસે અભિલાષા રાખે છે.
આપવું અને મેળવવું, એ જીવનના સામાન્ય સિદ્ધાંતો છે. જે આપીએ, એ મળે અને જેવું આપીએ, એટલું મળે, એ કોઈ વસ્તુ હોય કે માન. એક વાતની ખાતરી જીવન આપણને સાબિતી સાથે આપે છે કે જેટલું આપશો, તેટલું અને તેવું મેળવશો પણ માનવીની માનસિકતા, એક દ્રષ્ટિકોણ, જીવન સમક્ષ ઘણો બદલી ગયો છે, જીવન પાસેથી અપેક્ષા વધતી જતી હોય છે. જે જીવન આપણને વગર કહ્યે કે કહેવાથી આપે છે, ત્યારે આપણે જીવનનો આભાર માનવાનો પણ ભૂલી જતા હોઈએ છીએ. પરિણામે આપણી પરિભાષા કદી સંતોષાતી નથી અને વમળ થકી નવી અભિલાષા જન્મતી રહે છે. અર્થાત, જૂના વિચાર અને માનસિકતા પરિપૂર્ણ નથી થતા પણ નવા વિચારો અને ઝંખના જન્મતા રહે છે અને આપણી અભિલાષા અને અપેક્ષા જીવન સમીપ કદી પરિપૂર્ણ નથી થતા અને ત્યારે આપણે જ આપણી ખુશી અને આનંદને દૂર ધકેલીએ છીએ અને દુ:ખને આમંત્રણ આપતા હોઈએ છીએ. ત્યારે આપણને જીવનમાં તણાવ મહેસુસ થતો હોય છે. જીવન થોડું અયોગ્ય અનુભવાતું હોય છે અને ત્યારે નિરાશા છવાયેલી રહે છે.
વાસ્તવમાં જયારે આપણે પરિભાષા નહી પણ અભિલાષા પર ધ્યાન થોડું કેન્દ્રિત કરીશું, ત્યારે આપણે અભિલાષા સમક્ષ એક પ્રશ્ન પૂછીએ. હકીકતમાં આપણી અભિલાષા, જીવન સમક્ષ યોગ્ય છે? જીવન માન્ય રાખે કે નહી, એ તો અલગ વાત છે પણ આપણી અભિલાષા જીવન સમક્ષ વ્યાજબી છે? જીવને આપણા મનની પરિભાષા ઘણું-ખરું આપીને બનાવી છે, તેમની થોડી તો કદર કરીએ, જીવનને નહી પણ આપણને જે મળ્યું છે, એમને આપણા થકી જશ આપીએ. જે મળ્યું છે, એમની થોડી ખુશી રાખીએ. પ્રશ્ન, વિલંબ અને તકલીફ તો તમામના જીવનમાં રહેવાની છે અને જે છે એ લગભગ પૂરતા અંશે છે, જે નથી મળ્યું એમની અપેક્ષામાં, એમની અભિલાષામાં, જે છે એમની પણ પરિભાષા આપણે સમયાંતરે ઓછી કરતા હોઈએ છીએ અને ત્યારબાદ આપણી સમક્ષ જે છે એમને ફક્ત અભિલાષામાં ખોયાનો રંજ હંમેશા રહી જતો હોય છે.
અભિલાષા શું છે? જો આ સવાલનો પ્રત્યુતર આપવાની કોશિષ કરીએ અને વાસ્તવિકતા તરફ જવાનો સુક્ષ્મ પ્રયાસ કરીએ તો અભિલાષા, એ આપણા મનમાં વમળો દ્વારા એક ઉદ્ભવેલો વિચાર છે. એક નવો શિકાર કરવાની આપણા જ મનની અપેક્ષા છે. સમગ્ર અપેક્ષા અને આપણા મનની ધારણા પ્રમાણે નથી થતું. જીવન આપણા નહી પણ એમના સિદ્ધાંત પ્રમાણે ચાલે છે. જીવનમાં આપણી ઈચ્છા અને અપેક્ષા પ્રમાણે સતત ચાલતું રહે, તો જીવનનો અર્થ શું? જે મળ્યું અને આપણને ગમ્યું, એ આપણી પરિભાષા છે, જે ન મળ્યું અને ફક્ત અપેક્ષા રહી, એ આપણા મનની અને જીવનની અભિલાષા છે. આ બંને વચ્ચેનો તફાવત જ જીવન છે. જીવનની એક વાત હંમેશા વ્યાજબી અને ન્યાયી રહી છે. તે આપણને હંમેશા લાયકાત પ્રમાણે આપે છે અને જયારે નથી આપતું, ત્યારે સારું આપવાનો પ્રયત્ન કરે છે અને નથી આપી શકતું, ત્યારે સારું કરવાનો પ્રયત્ન કરે છે.
મન શું છે? મન એ આપણા વમળોનું પ્રતિક છે. વિચાર શું છે? વિચાર, એ આપણી માનસિકતાનો મૂળભૂત આધાર છે. આનંદ શું છે? એ આપણને સમગ્ર પ્રાપ્ત થયાની પરિભાષા છે અને ઈચ્છા શું છે? એ આપણી અપેક્ષા થકી જીવનની અભિલાષા છે. શરૂઆતમાં વાત કર્યા પ્રમાણે, કોઈનું ‘કંઇક’, ‘કદાચ’ અને ‘પરંતુ’ બનીને રહી જતું હોય છે. ત્યારે આ કદાચ અને પરંતુ વચ્ચે ઉદગાર ચિન્હ બને છે, તે છે, જીવન. જે મળ્યું છે અથવા જે નિરપેક્ષ ભાવથી આવે છે, તેમનો આદર કરવાનો, આપણે અચૂક, ચૂકી જતા હોઈએ છીએ અને જે છે, તેમનો ગણ નથી કરી શકતા. જયારે આપણને મળ્યાનો આનંદ નથી કરતા, ત્યારે આપણને થોડું નથી મળી શક્યું, તેમના માટે નિરાશ શા માટે થઈએ? લાગણી સહ અને આનંદ સહ, પરિભાષાને આપણે માણીએ, જયારે રંજ મુક્ત અને ભારમુક્ત અભિલાષાને આપણે ફક્ત હળવી અભિલાષા રાખીએ.
પરિભાષા, એ જીવનની આપણા પ્રત્યે મહેરબાની છે, તે અપનાવીએ.
અભિલાષા, જે કદાચ આપણી વધુ વિચારસરણી છે, તે સ્વીકારીએ.
મળ્યું છે તેમની પર આપણી જ ખુશીનો, હક હોંશથી જતાવીએ.
એ બંને વચ્ચે જ છે જીવનની આધ્યાત્મિકતા છે,
તે હોંશે હોંશે સ્વીકારીએ.