Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયનિપાહ વાયરસ શું છે? આ વાયરસે કયા રાજયમાં બાળકનો શિકાર કર્યો ?!

નિપાહ વાયરસ શું છે? આ વાયરસે કયા રાજયમાં બાળકનો શિકાર કર્યો ?!

- Advertisement -


દેશના કેરળ અને મહારાષ્ટ્ર જેવાં રાજયોમાં હજુ પણ કોરોના મહામારી લોકોનો કેડો મૂકતી નથી. આ પ્રકારની મહામારી દરમ્યાન નિપાહ વાયરસની પણ એન્ટ્રી જોવા મળી છે. આ વાયરસે બાર વર્ષના એક બાળકનો ભોગ લીધો છે. સારવાર દરમ્યાન કેરળ રાજયમાં આ બાળક નિપાહ વાયરસનો શિકાર બની ગયો છે. આ અંગે કેરળના આરોગ્યમંત્રીએ જાણકારી આપ્યા પછી તુરંત કેન્દ્ર સરકારની આરોગ્ય ટીમે કેરળની મુલાકાત લીધી હોવાનો રિપોર્ટ છે.
કેરળના આરોગ્ય મંત્રી વિણા જ્યોર્જે રવિવારે આ અંગે જાહેરાત કર્યા પછી કેન્દ્ર સરકારની એક ખાસ ટીમ કેરળ પહોંચી છે. આરોગ્ય મંત્રીએ એમ પણ જણાવ્યું છે કે, જે બાળકનો નિપાહ વાયરસે ભોગ લીધો છે તે બાળકના ગાઢ સંપર્કમાં 20 જેટલાં આરોગ્યકર્મીઓ નોંધાયા છે. આ આરોગ્ય કર્મીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થયું છે. કારણ કે, આ આરોગ્યકર્મીઓમાં પણ આ પ્રકારના રોગના લક્ષણો જોવા મળી રહ્યા છે.

આ મૃત બાળકના સેમ્પલ પુનાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફવાયરોલોજી ખાતે મોકલવામાં આવ્યા હતાં. જેના પરથી નિપાહ વાયરસની હાજરીની પુષ્ટિ થઇ છે. આ સમાચાર મળતા જ કેન્દ્રની ખાસ ટૂકડી કેરળ પહોંચી છે. આ ટૂકડીમાં નેશનલ સેન્ટર ફોર ડીસીઝિઝ ક્ધટ્રોલના નિષ્ણાંતોનો સમાવેશ થાય છે. આ ટૂકડી કેરળના આરોગ્ય મંત્રાલયને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે. નિપાહ વાયરસનો આ કેસ કેરળના કોઝિકોડ ખાતે નોંધાયો છે.

નિપાહ વાયરસ ચામાચિડિયાની લાળથી ફેલાય છે. ખાસ કરીને શિયાળાની અથવા ઠંડા વાતાવરણમાં જે ફળો પાકતા હોય છે અને આ પ્રકારના ફળો અતિ વધારે પ્રમાણમાં પાકી જાય અથવા સડી જાય ત્યારબાદ આ ચામાચિડીયા આ ફળોને આરોગે છે અને આ પ્રકારના ચામાચિડીયાની લાળ નિપાહ વાયરસનો ફેલાવો કરે છે. એવું નિષ્ણાંતોએ જણાવ્યું છે.

કોઝિકોડની હોસ્પિટલના તબિબોએ એવું જણાવ્યું છે કે, જે બાળકનું મોત નિપાહ વાયરસના કારણે થયું છે તે બાળકના સંપર્કમાં આવેલા લોકો પૈકી 188 લોકોને અમોએ અલગ તારવી લીધાં છે.આ 188 પૈકી 20 આરોગ્યકર્મીઓની સ્થિતિ પર વધુ જોખમ છે અને આ 20 પૈકી બે આરોગ્યકર્મીઓમાં આ રોગના લક્ષણો વધુ તિવ્રતાથી જોવા મળી રહ્યા છે. આ બે આરોગ્યકર્મી પૈકી એક આરોગ્યકર્મી કોઝિકોડની સિવિલ હોસ્પિટલમાં તથા બીજો આરોગ્યકર્મી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. રાજયના આરોગ્યમંત્રીએ નિપાહ વાયરસ સામે લડવા માટે ટાસ્કફોર્સની રચના કરી છે.

નિપાહ વાયરસનું વૈજ્ઞાનિક નામ નિપાહ હેનિપાવાયરસ છે. આ રોગ મનુષ્ય ઉપરાંત કેટલાંક પ્રાણીઓ તથા પશુઓમાં પણ જોવા મળે છે. આ રોગની ઘાતકતા એ છે કે, આ રોગના રોગીઓમાં મૃત્યુદરનું પ્રમાણ ઉંચું હોય છે. અત્યારસુધીમાં દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયા(એટલે કે, ભારત સહિતના દેશોમાં) ખાતે આ રોગના કેસો નોંધાયા છે. આ વાયરસ 1947ની સાલમાં પ્રથમ વખત જન્મયો હતો ત્યારબાદ 1985 અને 1995માં તેનો ફેલાવો જોવા મળ્યો હતો.

1998ની સાલમાં મલેશિયા ખાતે આ વાયરસે 265 લોકોને ઝડપી લીધાં હતાં. જે પૈકી 105 લોકોના મૃત્યુ થયા હતાં. ત્યારબાદ સિગાપોરમાં પણ આ વાયરસે દેખા દીધી હતી.આ ઉપરાંત બાંગ્લાદેશ અને ભારતમાં પણ આ કેસો નોંધાયા છે.

કોરોનાની માફક નિપાહ વાયરસ પણ ઝડપથી સંક્રમિત થાય છે. કેટલાંક કિસ્સાઓમાં ચામાચિડિયા ઉપરાંત સુવ્વર મારફત આ વાયરસ માણસ સુધી પહોંચે છે. ભારતમાં તાજેતરના વર્ષોમાં આ વાયરસે પ્રથમ ભોગ કેરળ ખાતે એક બાળકનો લીધો છે.

આ રોગના લક્ષણો શું હોય છે?

- Advertisement -

સામાન્ય રીતે નિપાહ વાયરસથી કોઇ પણ વ્યકિત સંક્રમિત થાય એટલે તરત તે વ્યકિતને ખુબ જ તાવ આવવા માડે છે, માથાનો દુખાવો ઉપરાંત શ્ર્વાસ લેવામાં તકલીફ અને ગળા માં ખરાસ જેવા ન્યુમોનિયાના રોગ જેવાં લક્ષણો દેખાય છે. જો આ લક્ષણો વધુ તિવ્ર હોય તો માત્ર 24 કે 48 કલાકમાં આ દર્દી કોમામાં જતો રહે છે. કોઇપણ વ્યકિત સંક્રમિત થયા પછી સામાન્ય રીતે 5 થી 14 દિવસની અંદર અથવા અમુક કેસમાં 45 દિવસની અંદર વ્યકિતમાં લક્ષણો દેખાવા લાગે છે. કેટલાંક કેસ એવા પણ હોય છે કે, વ્યકિત સંક્રમિત હોવા છતાં અમુક દિવસો સુધી તે વ્યકિતમાં કોઇ લક્ષણ જોવા મળતાં નથી.

આ વાયરસની સારવાર માટે આરટીપીસીઆર ટેસ્ટ, પીસીઆર ટેસ્ટ, સિરમ ન્યૂટ્રીલાઇઝેશન અથવા એલાઇઝા ટેસ્ટની મદદ લેવામાં આવે છે. કોરોનાની માફક જ હાલમાં દુનિયામાં આ પ્રકારના રોગની કોઇ ફિકસ સારવાર પધ્ધતિ શોધાય નથી. આ અગાઉ રિબાવાયરિન નામની દવા આ રોગ માટે અસરકારક હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ હજુ સુધી આ અંગે માત્ર લેબોરેટરી ટેસ્ટીંગ થયું છે. માણસ પર આ દવાની શું અસર થાય છે? તે અંગે આપણી પાસે હાલ કોઇ વિગતો નથી. બને ત્યાં સુધી અતિશય પાકેલું કોઇપણ ફળ ખાવાથી દૂર રહેવું. કોરોનાની માફક આ રોગમાં પણ સાવધાની એ જ બચવાનો ઉપાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular