ગુજરાત સરકારે નજીકના ભુતકાળમાં પાલિકા- પંચાયતોની ચૂંટણીઓ પહેલા અને પછી દાયકા જૂના બે ડઝન કાયદા સુધાર્યા છે, નવા ઘડયા છે. રાજ્યપાલની મંજૂરી બાદ તેનો અમલ પણ શરૂ કર્યો છે. કોરોનાકાળના દોઢ વર્ષમાં અત્યંત ઉતાવળે, નાગરીક સમાજ જીવન ઉપર દુરોગામી અસરોનો સંતુલિત અભ્યાસ કર્યા વગર જ થોપી દેવાયાલા કાયદામાં હવે સરકાર સ્વંય ફસાઈ રહી છે. જેના કારણે નાગરીકોમાં તત્કાળ લોકપ્રિયતા મેળવવા આડેધડ નિર્ણયો થયાનું ચિત્ર વહિવટી તંત્રમાં ઉપસ્યુ છે.લવજેહાદના નામે થયેલા સુધારા ઉપરાંત બદલાયેલો અશાંત ધારો અને નવ રચિત લેન્ડ ગ્રેબિંગ તેમજ ગુજસીટોક સામે પણ નાગરીક તરીકેના મુળભૂત અધિકારોનો છેદ ઉડી રહ્યાની પિડા સાથે હાઈકોર્ટમાં રાવ થઈ છે. 25 વર્ષના શાસનમાં જાણે અચાનક ગુંડાગર્દી બેફામ હોય તેમ ઉત્તરપ્રદેશની તર્જ ઉપર ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ વિધાનસભામાં પસાર થયો હતો. જો કે, ભારત સરકારે હજી સુધી ગુજરાતના ગુંડા એક્ટને મંજૂરી આપી નથી ! ટોચના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાતના ગુંડા એક્ટની જોગવાઈઓ ભારતના પ્રવર્તમાન કાયદાઓથી વિરોધાભાસી છે. આથી, દિલ્હીથી ગૃહ મંત્રાલયે ખુલાસા માંગ્યા છે.ઉલ્લેખનિય છે કે, વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી પૂર્વે નશાબંધીનો કાયદો વધુ કડક કર્યાનો સરકારે દાવો કર્યો હતો. જો કે, ત્યારપછી પણ દારૃની સાથે ડ્રગ્સના વેપાર- વ્યસનનું નેટવર્ક તો વધતુ જ રહ્યુ છે.
ગુજરાત ડિસ્ટર્બ એરિયા એક્ટ અશાંત ધારો : આ કાયદામાં થયેલા સુધારાના નોટિફિકેશનના અમલ સામે હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે. અશાંત ક્ષેત્ર પછીના બફર ઝોન તેમજ જિલ્લા પ્રમાણે રિન્યુ કરવાની બાબત કોર્ટમાં પડકારાઈ છે.
ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝેશન એક્ટ ગુજસીટોક : પોલીસ સમક્ષ થયેલી કબૂલાતને જ આખરી ગણીને સજાની જોગવાઈથી લઈને ફોન ટેપિંગ, મોબાઈલ, ઈ-મેઈલના સંદેશા આંતરવા અને માત્ર શંકાને આધારે ધરપકડ જેવા પોલીસને બેસુમાર સત્તા આપવા મુદ્દે વિવાદ છે.
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ : આ કાયદાને પાછલી અસરથી દાખલ કર્યો છે, જે ન થઈ શકે. બિન જામીનપાત્ર અને અન્ય હયાત કાયદાઓની સરખામણીએ વિરોધાભાસી હોવાથી કોર્ટમાં તેની માન્યતા મુદ્દે વિરોધ થયો છે. પાછલી અસરથી અમલી બનતા કાયદા હંમેશાં વિવાદાસ્પદ રહ્યા છે.