રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પ્રવચન ઉપરના આભાર પ્રસ્તાવનો સંસદમાં જવાબ આપતા પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આવી રહેલા સમયમાં દેશ કઇ દિશામાં આગેકૂચ કરશે તેનો સાંકેતિક ઇશારો કરતા લોકસભાના ફલોર ઉપરથી હિંમતભેર અને ખૂબ જ સ્પષ્ટતા સાથે ખૂબ મોટી જાહેરાત કરી હતી. નરેન્દ્રભાઇએ લોકસભામાં ઐતિહાસિક પ્રવચનમાં સ્પષ્ટ કહેલ કે, આજે વિશ્વમાં માનવતાના કાર્યમાં ભારત જો કામ આવી રહ્યું છે તો તેમાં આપણા પ્રાઇવેટ સેકટરનો (ખાનગીક્ષેત્રોનો) ખૂબ મોટો રોલ છે. પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ (ખાનગી સાહસો)નો રોલ છે, અને આપણને આપણા દેશના નવયુવાનો ઉપર ભરોસો હોવો જોઇએ, આપણા દેશના નવજવાનો ઉપર ભરોસો રાખવો જોઇએ, જો તેમને કોસતા રહેશું, તેમને નીચા દેખાડતા રહેશું અને આપણે કોઇપણ ખાનગી ક્ષેત્રોને નકારતા રહેશું તો… કોઇ જમાનામાં કોઇ સરકારે, જરૂરત હશે તો કર્યું હશે, આજે દુનિયા બદલાઇ ચૂકી છે. સમાજની પોતાની તાકાત છે, દેશની અંદર તાકાત છે. પ્રત્યેકને મોકો મળવો જોઇએ અને તેમને એક પ્રકારે બેઇમાન જાહેર કરવા, તેમના માટે (ખાનગી સાહસીકોને) ગંદી ભાષાનો ઉપયોગ કરવો… આ સંસ્કૃતિ – કલ્ચર કોઇ એક જમાનામાં મત મેળવવા કામ આવેલ હશે, આજે એ કામ આવવામાં આવનારું નથી.
નરેન્દ્રભાઇએ સંસદમાં તેમના આ અભૂતપૂર્વ ભાષણમાં સ્પષ્ટ કહેલ કે સંપત્તિનું સર્જન કરનારાઓ પણ જરૂરી છે. તો જ સંપત્તિ વહેંચી શકશું, ગરીબોને સંપત્તિની વ્હેંચણી કયાંથી કરશું ? રોજગાર – નોકરી આપીશું કેવી રીતે ?નરેન્દ્રભાઇએ સનદી – આઇએએસ ઓફિસરોની કાર્યવાહી અંગે ખૂબ જ બોલ્ડ નિવેદન આપી આવી રહેલ સમયમાં આ ક્ષેત્રે આવનાર મોટા પરિવર્તન તરફ અંગૂલી નિર્દેશ કરતા કહેલ કે, બધુ બાબુઓ જ જો કરશે, આઇ.એ.એસ. બની ગયા તેનો અર્થ એવો છે કે તેઓ ફર્ટીલાઇઝર કારખાના પણ ચલાવે, આઇ.એ.એસ. બની ગયા એટલે તે કેમીકલના કારખાના પણ ચલાવે? આ તો કેવી મોટી તાકાત બનાવીને આપણે રાખી દીધી છે ? બાબુઓના હાથમાં દેશ આપી દઇને આપણે શું કરવા માગીએ છીએ ? આપણા બાબુઓ પણ દેશના છે, તો આપણા નવયુવાનો પણ દેશના જ છે. આપણે આપણા દેશના નવજવાનોને જેટલો વધુ મોકો આપીશું, મને લાગે છે તે એટલા જ કામ આવશે..
નરેન્દ્રભાઇના આ પ્રવચનો ભાવી માટે ખૂબ જ સૂચક માનવામાં આવે છે. આવતા દિવસોમાં તેઓ શું કરવા માગે છે, દેશને કઇ દિશામાં લઇ જવા માગે છે, ખાનગીકરણ શા માટે જરૂરી છે, અધિકારી રાજની એક મર્યાદા હોવી જોઇએ અને દેશના ઉદ્યોગપતિઓને સતત ભાંડવાની, ઉતારી પાડવાની ટેવ કાઢી નાખવા તથા દેશના યુવાનોને વધુને વધુ તક મળવી જોઇએ તે અંગે પોતાના નિર્મિક વિચારો લોકસભાના ફલોર ઉપરથી રજુ કર્યા તેની ભારે ચર્ચા છે.