કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે પ્રતિષ્ઠિત કોર્નેલ યુનિવર્સિટીના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે પ્રો. કૌશિક બસુ સાથેના સંવાદમાં લોકતંત્ર અને વિકાસ જેવા મુદ્દે કેટલાક સવાલના જવાબ પણ આપ્યા.
1975માં ઈન્દિરા ગાંધીએ લગાવેલી ઈમર્જન્સી મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે, તે ભૂલ હતી, પરંતુ ત્યારે જે થયું અને અત્યારે જે થઈ રહ્યું છે તેમાં ફરક છે. પોતાની ભૂલ માની લેવી એ સાહસનું કામ હોય છે. અત્યારે સંસદમાં પણ બોલવાની મંજૂરી નથી. ન્યાયતંત્ર પાસે કોઈ આશા નથી.
આરએસએસ-ભાજપ પાસે જબરદસ્ત આર્થિક શક્તિ છે. કોર્પોરેટ્સને વિપક્ષના પક્ષમાં ઊભા રહેવાની મંજૂરી નથી. આ લોકતાંત્રિક વ્યવસ્થા પર સમજી વિચારીને કરેલો હુમલો છે.
આ ઉપરાંત તેમણે દાવો કર્યો કે, હું ઘણાં વર્ષોથી કોંગ્રેસમાં આંતરિક લોકતંત્રને પ્રોત્સાહિત કરવા પ્રયાસ કરું છું. તે બદલ મારા પક્ષના લોકોએ જ મારી ટીકા કરી હતી. હું પહેલો વ્યક્તિ છું, જેણે પક્ષમાં લોકતાંત્રિક ચૂંટણીને મહત્ત્વની માની છે. અમારા માટે કોંગ્રેસ એટલે આઝાદી માટે લડનારી, દેશને બંધારણ આપતી સંસ્થા છે. અમારા માટે લોકતંત્ર અને લોકતાંત્રિક પ્રક્રિયા જળવાય તે ઘણું મહત્ત્વનું છે.