વિમેન્સ પ્રિમીયર લીગની હરાજી સમાપ્ત થઈ ચૂકી છે. હરાજીમાં 448 ખેલાડીઓનું ભાગ્ય દાવ પર હતુ જેમાંથી માત્ર 87 ખેલાડીઓની જ ખરીદી કરવામાં આવી છે. આ 87 ખેલાડીઓને ખરીદવા માટે મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, યુપી વોરિયર્સ, ગુજરાત જાયન્ટસ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મળીને 59.50 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. હરાજીના અંતે દિલ્હી પાસે 35 લાખ, ગુજરાત પાસે પાંચ લાખ, બેંગ્લોર પાસે 10 લાખ બાકી રહ્યા છે. ગુજરાત, દિલ્હી અને બેંગ્લોરે સૌથી વધુ 18 ખેલાડીની ખરીદી કરી છે તો મુંબઈએ 17 અને યુપીએ 16 ખેલાડીઓને ખરીદ્યા છે.
આ હરાજીમાં 160થી વધુ વિદેશી ખેલાડીઓ ઉતરી હતી જેમાંથી 30ની ખરીદી કરવામાં આવી છે જ્યારે 250થી વધુ ભારતીય ખેલાડીમાંથી 57 ભારતીય ખેલાડી હરાજીમાં વેચાઈ હતી. હરાજીમાં 20 ખેલાડીઓ ઉપર ફ્રેન્ચાઈઝીઓએ એક કરોડ કે તેનાથી વધુની રકમ ખર્ચ કરી છે જેમાંથી ચાર ખેલાડીઓ એવા છે જેમને બે કરોડથી ત્રણ કરોડ વચ્ચે અને ત્રણ ખેલાડીઓને ત્રણ કરોડ રૂપિયાથી વધુની રકમ મળી છે. હરાજીમાં સ્મૃતિ મંધાના સૌથી મોંઘી રહી હતી તેના ઉપર 3.40 કરોડ રૂપિયાની બોલી લાગી હતી. આવી જ રીતે ઈંગ્લેન્ડની નતાલી સ્કીવર અને ઑસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનર ઉપર 3.20 કરોડ રૂપિયાની બોલી લાગી હતી. આ બન્ને સૌથી મોંઘી વિદેશી ખેલાડી રહી છે. ભારતની દીપ્તી શર્મા ઉપર 2.60 કરોડ રૂપિયાની બોલી લાગી હતી. જ્યારે જેમીમા રોડ્રિગ્સ 2.20 કરોડ અને શેફાલી વર્મા બે કરોહમાં વેચાઈ હતી. ઑસ્ટ્રેલિયાની બેથ મૂનીને પણ ગુજરાત જાયન્ટસે બે કરોડ રૂપિયા ચૂકવી ટીમમાં સામેલ કરી છે.
આ હરાજીમાં અન્ડર-19 મહિલા ટી-20 વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમની માત્ર છ ખેલાડીઓ વેચાઈ હતી જેમાં યુપીએ શ્વેતાને 40 લાખ, પાર્શ્વી ચોપડા અને બેટર એસ.યશશ્રીને 10-10 લાખ રૂપિયામાં ખરીદ કરી હતી. દિલ્હીએ ફાસ્ટ બોલર તીતાસ સાધુને 25 લાખ, મુંબઈએ સોનમ યાદવને 10 લાખ અને ગુજરાતે શબનમ શકીલને 10 લાખ રૂપિયા ચૂકવી પોતાની સાથે જોડી છે. વિમેન્સ પ્રિમીયર લીગ માટે યોજાયેલી હરાજીમાં 41 વર્ષીય ભારતની લતિકા કુમારી સૌથી મોટી વયની ખેલાડી રહી હતી. લતિકાની ઉંમર 41 વર્ષ છે જ્યારે ત્રણ ખેલાડી એવી છે જેની ઉંમર માત્ર 15 વર્ષ છે. આ ખેલાડીમાં શબન, સોનમ યાદવ અને વિન્ની સુઝાનનો સમાવેશ થાય છે.