Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારમાં જળસંકટ : વરસાદ ઓછો, જળાશયો ખાલી

હાલારમાં જળસંકટ : વરસાદ ઓછો, જળાશયો ખાલી

જામનગર જિલ્લાના જળાશયોમાં માત્ર 30 ટકા પાણી, દ્વારકા જિલ્લાના જળાશયોમાં 12 ટકા : સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની 51 ટકા ખાધ સાથે જળસંકટના એંધાણ

- Advertisement -

સમગ્ર સૌરાષ્ટ્ર સાથે હાલારના બન્ને જિલ્લા જામનગર અને દેવભૂમિ દ્વારકામાં જળસંકટના એંધાણ સાંપડી રહયા છે. ચોમાસું તેની મઝધાર પાર કરી ચૂકયું હોવા છતાં જામનગર જિલ્લાના જળાશયોમાં માત્ર 30 ટકા અને દ્વારકા જિલ્લાના જળાશયોમાં માત્ર 12 ટકા પાણીનો સંગ્રહ થઇ શકયો છે. જો સારો વરસાદ ન થયો તો આગામી સમયમાં હાલારમાં કૃષિ સાથે પીવાના પાણીની સમસ્યા પણ સર્જાઇ શકે છે.

ચોમાસાનો જૂનમાં પ્રારંભ થયો તે પૂર્વે મૌસમ વિભાગે સમગ્ર દેશ માટે સામાન્ય ચોમાસુ રહેવાની આગાહી કરી હતી પરંતુ, ગુજરાત માટે આ આગાહી સાચી ઠરી નથી. ગુજરાતમાં આજે એકંદરે 46 ટકા અને તેમાંય સૌરાષ્ટ્રમાં તો ગત 50 વર્ષની સરેરાશ કરતા પણ 51 ટકા વરસાદ ઓછો વરસ્યો છે. એક માસથી ચોમાસુ સુસ્ત થઈ જતા અંતે હવે ખેડૂતો સિંચાઈ માટે પાણી આપો તેવી માંગણી કરી રહ્યા છે તો બીજી તરફ પીવાના પાણીનું વિતરણ જાળવવા જળાશયોમાં રહ્યુ સહ્યું પાણી અનામત રાખવાની ફરજ તંત્રને પડી રહી છે.

જામનગર જિલ્લામાં 21 ડેમોમાં સંગ્રહશક્તિના 71 ટકા ખાલી પડયા છે. રૂપાવટી, ઉંડ-2, કંકાવટી ડેમોમાં 10 ટકાથી ઓછો સંગ્રહ છે. એકમાત્ર ઉંડ-1 ડેમમાં 991 એમ.સી.એફટી. જળસંગ્રહ છે. આ ડેમ પણ મોટો છે અને ક્ષમતાના 45 ટકા જ ભરાયેલો છે. ઉંડ-1,ઉંડ-3, વોડીસંગ, ફુલઝર, રૂપારેલી,ઉમિયા સાગર સિવાયના મોટાભાગના જળાશયોમાં 50 ટકાથી ઓછો જળસંગ્રહ છે. ભરચોમાસે દ્વારકા જિલ્લાના સિંધણી,સાની,ગઢકી, શેઢા ભાડથરી એ ચાર ડેમો તળિયાઝાટક થઈ ગયા છે, આ જિલ્લામાં સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો માત્ર 11.90 ટકાનો જળસંગ્રહ છે.

અસરકારક જળસંચય અને જળઆયોજનના અભાવ વચ્ચે સૌરાષ્ટ્રમાં 32 લાખ હેક્ટર જમીનમાં મગફળી,કપાસ સહિતના કૃષિપાકોનો મદાર મેઘરાજાની કૃપા પર છે. સૌથી વધુ રાજકોટ જિલ્લામાં 5.25 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરાયેલું છે જ્યાં પાક હવે સુકાવાનું શરૂ થયું છે. કિસાન સંઘે આ કૃષિ પાકને બચાવવા સિંચાઈનું પાણી છોડવા માંગણી કરી છે. પરંતુ, બીજી તરફ સૌથી મોટા ભાદર ડેમમાં હાલ 1456 એમ.સી.એફટી. (22 ટકા) જ જળસંગ્રહ છે જે પાણી દર વર્ષેે પીવા માટે અનામત રખાતું હોય છે. વેણુ-2,ન્યારી-1, આજી-2, અને મોજ એ ચાર ડેમોમાં જ 500 એમ.સી.એફટી.થી વધુ પાણી છે જેમાં ન્યારી-1 મનપાનો ડેમ છે.

- Advertisement -

અને તેનું પાણી વિશાળકાય રાજકોટને પીવા માટે છે. જ્યારે આજી-2 ડેમમાં 694 એમ.સી.એફટી. પાણી છે અને ડેમ 89 ટકા ભરેલો છે તે એટલા માટે કે શહેરની ગટરનું ટ્રીટ થતું રોજનું દસથી પંદર કરોડ લિટર પાણી એ ડેમ તરફ જાય છે. તો સુરવો, ગોંડલી, ડોંડી, વાછપરી અને કરમાળ એ રાજકોટ જિલ્લાના 5 ડેમમાં 10 ટકાથી પણ ઓછુ પાણી છે જે વરસાદ ન આવે તો નજીકના સમયમાં ડૂકી જાય તેમ છે.જિલ્લામાં એકંદર સંગ્રહ માત્ર 32 ટકા છે. આવી જ સ્થિતિ અન્ય જિલ્લાઓની છે, મોરબી જિલ્લાના 10 ડેમોમાં 31 ટકા જળસંગ્રહ છે જેમાં સૌથી વધુ મચ્છુ-2 ડેમમાં 1490 એમ.સીએફટી.સંગ્રહ છે. જ્યારે ઘોડાધ્રોઈ 86 ટકા ભરાયો છે પણ સંગ્રહ માત્ર 200 એમ.સી.એફટી.નો છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના મોરસલ, સબુરી ડેમો સુકાઈ ગયા છે અને કૂલ સંગ્રહ માત્ર 14.50 ટકા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular