દેશમાં 2025 સુધીમાં કેન્સરના કેસોમાં 12.7 ટકાનો વધારો થશે તેવી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ -આઇસીએમઆર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. કેન્સર થવાના મુખ્ય કારણોમાં ધૂમ્રપાન, તમાકુ અને શરાબનું સેવન, મેદસ્વિતા, શરીરમાં પોષક તત્વોનો અભાવ અને શારીરિક પ્રવૃત્તિનો અભાવનો સમાવેશ થાય છે.
આઇસીએમઆરના જણાવ્યા અનુસાર 2020માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્સરના લગભગ 14 લાખ કેસો નોંધાયા હતા જે 2021માં વધીને 14.26 લાખ અને 2022માં વધીને 14.61 લાખ થઇ ગયા હતા.
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દેશમાં હ્ય્દયરોગ,શ્ર્વાસની બિમારીઓની સાથેે સાથે કેન્સરના કેસોની સંખ્યામાં પણ મોટો વધારો નોંધાયો છે. કેન્સરના કેસો વધવાના વિવિધ પરિબળોમાં વધતી જતી વય, જીવનશૈલીમાં પરિવર્તન અને વ્યાયામ તથા પૌષ્ટિક આહારનો અભાવ મુખ્ય છે. ઘણીવાર કેન્સરના લક્ષણો વિશે માહિતીના અભાવે બિમારીની ખબર સમયસર ન પડવાને કારણે ઇલાજ કરવામાં ખૂબ મોડું થઇ જાય છે અને કેન્સર વધતું જાય છે. છેલ્લા થોડા વર્ષોના આંકડાઓ અનુસાર ભારતમાં પુરૂષોમાં સૌથી વધારે મોં અને ફેફસાંના કેન્સર જોવા મળ્યા છે. જ્યારે મહિલાઓમાં સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સર વધારે જોવા મળ્યા છે.
બેન્ગાલુરૂ સ્થિત આઇસીએમ આરના નેશનલ સેન્ટર ફોર ડિસિઝ ઇન્ફોર્મેેટિક્સ એન્ડ રિસર્ચના આંકડાઓ અનુસાર 2015 થી 2022સુધી તમામ પ્રકારના કેન્સરમાં 22.7 ટકાનો વધારો થયો છે. 14 વર્ષના કિશોરોમાં રક્ત કેન્સર યાને લિમ્ફોઇડ લ્યુકેમિયા થવાની સંભાવના વધારે હોય છે આ મામલે લોકોમાં જાગરૂકતા ફેલાવવાની જરૂર છે. એક સર્જિકલ ઓન્કોલોજિસ્ટે જણાવ્યું હતું કે ભારતમાં હવે નાની ઉંમરના લોકોને પણ કેન્સર થવા માંડયા છે. ભારતમાં પુરૂષોમાં મોં, ફેફસાં, મગજ અને પ્રોસ્ટેટના કેન્સર અને મહિલાઓમાં સ્તન, ગર્ભાશય અને સર્વાઇકલ કેન્સરનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. આ તમામ કેન્સરોમાં સમયસર નિદાન અને ઇલાજ કરવામાં આવે તો દર્દીનો જીવ બચાવી શકાય છે.